
છેલ્લા કેટલાક દિવસોથી રેકોર્ડ હાઈ પર પહોંચેલા સોના અને ચાંદીના ભાવમાં ગુરુવારે, 22 જાન્યુઆરી, 2026ના રોજ ભારતીય વાયદા બજાર (MCX)માં ઐતિહાસિક કડાકો બોલાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભૂ-રાજકીય તણાવ ઘટવાના સંકેતો અને રોકાણકારો દ્વારા ભારે નફારૂપી વેચવાલીના દબાણને કારણે બંને કિંમતી ધાતુઓમાં હાહાકાર મચી ગયો છે.બજાર ખુલતાની સાથે જ વેચવાલીનું ભારે દબાણ આવતા ભાવ ગગડીને ₹3,05,753ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આમ, દિવસ દરમિયાન ચાંદીમાં ગઈકાલના બંધ ભાવની સરખામણીમાં ₹12,700થી વધુનો ઐતિહાસિક કડાકો જોવા મળ્યો. હાલ ચાંદી ₹11,640 ના ઘટાડા સાથે ₹3,06,852 આસપાસ ટ્રેડ થઈ રહી છે.બજારના નિષ્ણાતોના મતે, આ મોટા ઘટાડા પાછળ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય પરિબળો જવાબદાર છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડ મુદ્દે યુરોપિયન દેશો પર લગાવવામાં આવેલ ટેરિફ પાછો ખેંચી લેવાના નિર્ણયથી વૈશ્વિક તણાવમાં ઘટાડો થયો છે. આ કારણે, રોકાણકારોએ સોના-ચાંદી જેવી સુરક્ષિત રોકાણ સંપત્તિમાંથી નફો બુક કરવાનું શરૂ કર્યું છે, જેના કારણે બજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. આ ઐતિહાસિક ઘટાડાએ છેલ્લા કેટલાક દિવસોની એકતરફી તેજી પર બ્રેક લગાવી દીધી છે.


