કોરોનાના કારણે ઓનલાઇન શિક્ષણ અને ઓનલાઇન શિક્ષણને કારણે દરેક ઘરમાં બાળકો દ્વારા સ્માર્ટફોનના વપરાશમાં વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે જાહેર થયેલા ‘અસર’ (એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ) 2021 મુજબ, હવે રાજ્યમાં 88.4 ટકા બાળકો પાસે ઘરમાં ઓછામાં ઓછા એક સ્માર્ટફોનની ઉપલબ્ધતા તો છે જ. આ ટકાવારી 2018ના સરવે વખતે 44.7 ટકા હતી. બાળકો પાસે સ્માર્ટફોનની ઉપલબ્ધતામાં 3 વર્ષમાં 98 ટકાનો વધારો થયો છે.
આ મામલે ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે. જેમાંથી 37.9 ટકા બાળકો પાસે દરેક સમયે ફોનની ઉપલબ્ધતા હોય છે, 57.5 ટકા પાસે ક્યારે-ક્યારેક હોય છે જ્યારે 4.7 ટકા બાળકો પાસે બહુ ઓછો સમય હોય છે. કેરળમાં સૌથી વધારે 97.5 ટકા બાળકો પાસે ઘરોમાં સ્માર્ટફોન છે. રાજ્યનાં 775 ગામો સહિત દેશનાં અનેક ગામોમાંથી કરાયેલા સરવે બાદ આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં કોરોનાકાળમાં શાળાઓ શરૂ થઇ નહોતી ત્યારે 74.6 ટકા બાળકોને શિક્ષણ સામગ્રી મળી ગઇ હતી. સરકારી શાળાઓમાં એનરોલમેન્ટની ટકાવારી 2018માં 85 ટકા હતી જે 2021માં 85.2 ટકા થઇ છે. પશ્ચિમ બંગાળમાં એનરોલમેન્ટની ટકાવારી 91.8 ટકા છે. આ બાબતે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે.