જેના દર્શન માત્રથી પાપમુક્ત થઈ શકાય એ તાપી નદીનો આજે જન્મદિવસ છે. આજે સુરત કોઝવે પર હરિઓમ ગ્રુપ દ્વારા આયોજિત તાપી માતાના જન્મદિવસની દૂધ અભિષેક અને તાપી સ્નાન કરી ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે તાપી માતાને 600 મીટર લાંબી ચૂંદડી પણ ચડાવવામાં આવી હતી. 2 વર્ષથી લઈ 78 વર્ષ સુધીના સ્વિમર મહિલાએ તાપી માતાનાં દર્શન કરી બાળકોને સ્વિમિંગના દાવપેચ શીખવ્યા હતા. લગભગ હરિઓમ ગ્રુપના 300થી વધુ સભ્યોએ આજે કોઝવે પર તાપી માતાની જન્મ મહોત્સવમાં હાજરી આપી હતી.ધર્મેશ ઝવેરી (સ્વિમર કમ હરિઓમ ગ્રુપના સભ્ય)એ જણાવ્યું હતું કે તાપી પુરાણમાં ઉલ્લેખિત 2 કલ્પ પછી પૃથ્વી પરનો અંધકાર દૂર કરવા બ્રહ્માની સ્મૃતિ પછી સૂર્યનારાયણે પ્રસરાવેલા તેજનો પ્રકોપ પૃથ્વીના જીવોથી સહન ન થતાં ભગવાનની આંખોમાંથી આંસુ વહેતાં થયાં, જે તાપીમૈયા સ્વરૂપે વહેતાં થયાં હતાં. પુણ્યસલિલા તાપીના તટે પુરાણકાળથી સ્થિત સુરતની ‘સૂરત’ અને વિસ્તાર વિસ્તરતા રહ્યા છે, સુરતની જાહોજલાલી તાપીમૈયાને કારણે હોવાનું કહી શકાય. તાપીનાં પૂજન-અર્ચન સાથે તેનું જતન વર્તમાનની આવશ્યક્તા બન્યું છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે તાપી કાંઠે પ્રસરેલી સભ્યતા અને સંસ્કૃતિની જાળવણી પ્રત્યેક નાગરિકની ફરજ બની છે. વર્ષોથી હરિઓમ ગ્રુપ તાપી માતાની સાલગીરી મહોત્સવ ઊજવતું આવ્યું છે. આજના આ શુભ પ્રસંગે લગભગ તમામ સ્વિમરો પોતાના પરિવાર સાથે કોઝવે પર આવતા હોય છે અને તાપી માતાનાં દર્શન કરી દૂધ અભિષેક સાથે તાપી સ્નાન કરતા હોય છે. એટલું જ નહીં, પણ આજના આ શુભ પ્રસંગે વડીલો શંખ વગાડી માતાની આરાધના કરતા હોય છે.તેમણે જણાવ્યું હતું કે આજે તાપી માતાના જન્મદિવસ નિમિત્તે તાપીના પાણીમાં 600 મીટરની ચૂંદડી તરતી મૂકવાની પરંપરાગત પ્રક્રિયા હાથ ધરાઈ છે અને આરતી કરાઈ છે. ત્યાર બાદ નાસ્તા-પાણીની મોજ કરાઈ છે. સ્વિમરો આજના શુભ પ્રસંગે તાપીમાં સ્વિમિંગ કરી પુણ્ય પ્રાપ્ત કરતા હોય છે અને બસ, તાપી માતાને તમામ દેશવાસીઓનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે અને મહામારીમાંથી દેશ જલદી બહાર આવે એવી પ્રાર્થના કરી તેઓ છૂટા પડતા હોય છે.
તાપીનો જન્મ દિવસ: સુરતમાં કોઝવે પર દૂધ અભિષેક કરીને તાપી મૈયાને 600 મીટર લાંબી ચૂંદડી ચડાવવામાં આવી
Date: