‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને 28 જુલાઈના રોજ 13 વર્ષ પૂરા થયા હતા. આ સિરિયલના દરેક પાત્રો ચાહકોના મનમાં અલગ જ સ્થાન ધરાવે છે. જેઠાલાલથી લઈ બાઘા સહિતના પાત્રોએ પોતાની આગવી ઓળખ બનાવી છે. જોકે, છેલ્લાં કેટલાંક સમયથી આ સિરિયલમાં કેટલાક પાત્રો જોવા મળતા નથી. પછી તે બબિતા હોય કે નટુકાકા કે પછી રોશનભાભી. આ પાત્રો થોડાં સમયથી સિરિયલમાંથી ગાયબ છે. ચાહકોમાં આ પાત્રો ઘણાં જ લોકપ્રિય છે. આ પાત્રો આખરે કેમ સિરિયલમાં નથી જોવા મળતા તે અંગે આજે જાણીએ.સિરિયલમાં રોશનભાભીનો રોલ પ્લે કરતી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી પણ છેલ્લાં કેટલાંક સમયથી જોવા મળી નથી. જોકે, જેનિફરે કહ્યું હતું કે તેની તબિયત છેલ્લાં ઘણાં સમયથી સારી ના હોવાથી તે જોવા મળતી નથી. જોકે, તેણે ફરી એકવાર શૂટિંગ શરૂ કરી દીધું છે અને હવે તે ટૂંક સમયમાં જ સિરિયલમાં જોવા મળશે.સિરિયલમાં નટુકાકા રિસોર્ટવાળા એપિસોડમાં એકવાર જોવા મળ્યા હતા. નટુકાકાને કેન્સરે ઉથલો માર્યો છે. તેમણે કિમોથેરપીની વચ્ચે રિસોર્ટવાળો એપિસોડ કર્યો હતો. હાલમાં જે તેઓ પોતાની સારવાર કરાવી રહ્યા છે. એકવાર સારવાર પૂરી થઈ જશે, પછી ફરી એકવાર નટુકાકા સિરિયલમાં જોવા મળશે.સિરિયલમાં દયાભાભી (દિશા વાકાણી)નો ભાઈ બનતો સુંદર (મયૂર વાકાણી) છેલ્લે સિરિયલમાં ક્યારે જોવા મળ્યો હતો તે પણ ચાહકો ભૂલી ગયા છે. 2017થી દયાભાભી સિરિયલમાં જોવા મળતા નથી. ત્યારથી જ સુંદર પણ ભાગ્યે જ શોમાં જોવા મળે છે. માનવામાં આવે છે કે દિશા વાકાણીને કારણે જ મયૂર પણ શોમાં ઓછો જોવા મળે છે.’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર છેલ્લાં એક મહિનાથી મુનમુન દત્તા આવી નથી. થોડાં સમય પહેલાં જ ચર્ચા હતી કે એક્ટ્રેસે સિરિયલ છોડી દીધી છે. જોકે, પછી શોના પ્રોડ્યૂસર અસિદ મોદીએ સ્પષ્ટતા કરી હતી કે મુનમુને સિરિયલ છોડી નથી. તે આ સિરિયલનો જ હિસ્સો છે. મુનમુન દત્તાએ પણ કહ્યું હતું કે હાલમાં સિરિયલમાં તેનો ટ્રેક ના હોવાથી તે સેટ પર ગઈ નથી. તે જ્યારે પણ સિરિયલ છોડશે ત્યારે છડેચોક આ વાત જાહેર કરશે.