જામનગર : જામનગરને છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાશીની જેમ જામનગરમાં પણ અનેક મંદિરો આવેલા છે. આ મંદિરોની પોતાની આગવી ઓળખ પણ છે. જેમાં સૌથી પ્રસિદ્ધ છે કાશી વિશ્વનાથ મંદિર. જામનગરમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિરમાં બિરાજમાન ભગવાન મહાદેવની શિવલિંગના ચારેય દિશામાંથી દર્શન કરી શકાય છે. ગુજરાતનું એકમાત્ર આ મંદિર છે કે જેમાં ચારેય દિશામાંથી ભક્તો ભગવાનના દર્શન કરી શકે છે. પવિત્ર શ્રાવણ મહિનો હાલ ચાલી રહ્યો છે. ત્યારે શ્રાવણ મહિનામાં શિવ મંદિરોમાં ભક્તો ઉમટી પડે છે. ભારતમાં માત્ર બે જ એવા મંદિર છે જેમાં શિવલિંગના દર્શન ચારેય દિશામાંથી કરી શકાય છે. એક વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથ અને બીજુ જામનગરમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર. આ ઉપરાંત નેપાળમાં પણ આવું જ એક પશુપતિનાથ મહાદેવ મંદિર આવેલું છે. ત્યારે શ્રાવણ મહિનામાં અહિં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉપટી પડે છે.જામનગરમાં આવેલું આ મંદિર 128થી વધુ વર્ષ જુનું છે. વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથના સાનિધ્યમાં વિશ્વાન બ્રાહ્મણો દ્વારા પુજા, અર્ચન, પ્રાર્થના કર્યા બાદ અખંડ ઘુનની ધારાવાહી તથા અખંડ જ્યોત દ્વારા શિવલિંગ વાજતે ગાજતે કાવડમાં જામનગરમાં લાવવામાં આવી હતી. એ સમયે જામનગરના મુખ્ય વજીર કરસન પુંજાણીભાઇની દેખરેખમાં આ મંદિરમાં શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિરમાં અન્ય મંદિરની જેમ ગણપતી, કાળભૈરવ, હનુમાનજી, ચંડભૈરવ, બટુક ભૈરવની પણ મુર્તિઓ છે. કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે દરરોજ રાત્રે 8:00 વાગ્યે 108 દિવાની આરતી કરવામાં આવે છે અને શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરમાં દરરોજ અલગ-અલગ શૃંગાર પણ કરવામાં આવે છે.કાશી વિશ્વનાથ મંદિર વિશે વાત કરતાં મંદિરના પૂજારી સુખદેવ મહારાજે જણાવ્યું હતું કે, છોટી કાશી તરીકે પ્રખ્યાત જામનગરના મધ્યમાં આવેલું કાશી વિશ્વનાથનું મંદિરની વિશેષતા એ છે કે, ભક્તો ચારેય દિશામાંથી ભગવાનના દર્શન કરી શકે છે. આ મંદિરમાં ચાર દરવાજા છે. આ પ્રકારના મંદિર ત્રણ આવેલા છે. જેમાં એક વારાણસીમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર. બીજું જામનગરમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર અને ત્રીજુ મંદિર નેપાળમાં આવેલું છે. આ મંદિર 128 વર્ષ જુનું છે. આ મંદિર 72 સ્તભ પર ઉભું કરવામાં આવ્યું છે. દરેક સ્તભ ઉપર અલગ-અલગ મુર્તિઓ રાખવામાં આવી છે. આ મંદિરની રચના ચોપાટ તરીકે કરવામાં આવેલી છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવે છે.કાજલબેને જણાવ્યું કે, હું શ્રાવણ મહિનામાં અહિં કાશી વિશ્વનાથના દર્શન કરવા આવું છું. શ્રદ્ધાથી અને મનથી જો આપણે દર્શન કરીએ તો આપણા મનને ઘણી શાંતિ મળે છે. હું સોમવારે અહિં દર્શન કરવા માટે આવું છું. મનસુખ ત્રિવેદી નામના ભક્તે જણાવ્યું કે, હું 18 વર્ષનો હતો ત્યારથી અહિં દર્શન કરવા આવું છું. આ શિવલિંગ કાશીથી લાવવામાં આવ્યું છે. કાશીમાં ગીતા વિદ્યાલય છે ત્યા નાના છોકરાઓને ગીતાના પાઠ ભણાવવામાં આવે છે.