એક સમય એવો હતો કે, ચાર પાત્રો લોકોના ઘરમાં જ રહેતા હોય તેમ તેમના દિલદિમાગ પર છવાયેલા હતા. રામ-સીતા-લક્ષ્મણ અને રાવણ. રામાનંદ સાગરની સીરિયલ રામાયણના ટેલિકાસ્ટથી લોકોમાં ઘરેઘરે જે ભક્તિમય માહોલ હતો, તે આજે પણ અકબંધ છે. ત્યારે આજે આ જોડી તૂટી છે. રાવણનુ પાત્ર ભજવનારા અરવિંદ ત્રિવેદી નું 82 વર્ષની વયે નિધન થયુ છે. ત્યારે રામ અને સીતાએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. આ સમાચાર જાણીને રામનુ પાત્ર ભજવનારા અરુણ ગોવિલ અને સીતાનું પાત્ર ભજવનારા દીપિકા ચીખલીયાની આંખમાંથી આસુ સરી પડ્યા હતા. અરુણ ગોવિલેઅરવિંદ ત્રિવેદીના નિધન પર જણાવ્યું કે, મને હજી પણ વિશ્વાસ નથી થઈ રહ્યો. હું ઉઠ્યો તો દુખદ સમાચાર મળ્યો. થોડા દિવસો પહેલા મારી વાત થઈ હતી, તેમની તબિયત નાદુરસ્ત હતી તે મને ખબર હતી. પણ આજે આ સમાચાર મળશે તેવુ વિચાર્યુ ન હતું. હવે મને પ્રભુ કહેનારુ કોઈ નથી રહ્યું. એક મિત્ર, ઉમદા માણસ અને સારા કલાકાર હવે આપણી વચ્ચે નથી રહ્યાં. તેઓ જ્યારે મને મળતા તો પ્રભુ કહીને હાથ જોડીને નમસ્તે કરતા હતા. હું તેમને હંમેશા અરવિંદભાઈ કહેતો. આજે મારા દિવસની શરૂઆત ખરાબ થઈ. ભલે રોજ મળીએ કે ન મળીએ, પણ સાથે હોવુ મોટી વાત છે. તેમની સાથે એવી મિત્રતા બંધાઈ હતી. આવા લોકો જ્યારે આપણા જીવનમાં નથી રહેતા તો ખાલીપો સર્જાય છે. અરવિંદ ત્રિવેદી સાથેની વાયરલ તસવીર વિશે અરુણ ગોવિલે કહ્યું કે, આજે મને અમારા બંનેની એક તસવીર યાદ આવી ગઈ. જેમાં અમે એકબીજાને હાથ મિલાવી રહ્યા હતા, અને અમે હુ રામના વેશમાં હતો, અને તેઓ રાવણના વેશમાં હતા. આ અમારી મિત્રતાનું પ્રતિક હતું.
‘રાવણ’ અને ‘રામ’ ની જોડી તૂટી, અરુણ ગોવિલે કહ્યું-હવે મને પ્રભુ કહેનારુ કોઈ નથી રહ્યું…
Date: