ઉનામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ શરૂ, સંખ્યાબંધ વીજપોલ તૂટી જતાં અંધારપટ
તાઉ-તે વાવાઝોડું સોમવારની રાતે ઉના પાસે ગુજરાતના કિનારે ત્રાટક્યું હતું, ભારે પવનને કારણે સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં. હાઈવે અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં વૃક્ષો પડી ગયાં હોવાથી રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જ્યારે વીજપોલ પડી જતાં સમગ્ર પંથકમાં અંધારપટ છવાયો હતો. વાવાઝોડું આવતાં પહેલાં જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે મોટાં મોજાં ઊછળવાનું શરૂ થઈ ગયું હતું. જોકે અગાવથી કરેલી તૈયારી અને રાતનો સમય હોવાથી જાનહાનિ થઈ નહોતી. દક્ષિણ ગુજરાતમાં સાંજથી જ વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતો. જ્યારે વાવાઝોડું ટકરાયા બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ શરૂ થયો હતો.સોરઠના દરિયાકિનારા નજીક વાવાઝોડુ પહોંચતાં એની ભારે અસર જોવા મળી રહી છે. સોમવારે દિવસ દરમિયાન ઉના, વેરાવળ અને દીવમાં 80 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત ઉનાના સંયદ રાજપરા બંદરના કિનારે એક બોટ ડૂબી ગઇ હતી. કોડિનાર પાસે પણ એક બોટ તણાઈ ગઈ હતી.જો કે, જાનહાનિ થઇ ન હતી. રણકાંઠે આવેલા સાંતલપુર રાધનપુર તાલુકાના 127 ગામો અને સમી શંખેશ્વર તાલુકાના 17થી વધુ ગામોમાં ઝૂંપડા અને કાચા મકાનોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા માટે તંત્રની ટીમો ગામમાં મોકલવામાં આવી હતી