નવી દિલ્હી : દેશમાં કોવિડ-19ના કેસમાં મોટા પાયે ઘટાડો થયા બાદ હવે વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ ઘટી રહ્યો છે. ખાસ કરીને ટેલિકોમ અને કન્સલટિંગ સેક્ટરમાં મોટા ભાગના કર્મચારીઓ હવે ઓફિસ પરત ફરી રહ્યાં છે, પરંતુ હજુ IT સેક્ટરમાં સ્થિતિ વિપરિત જોવા મળી છે તેવું કોલાયર્સ અને અવફિસના સરવેમાં સામે આવ્યું છે. પ્રોપર્ટી કન્સલટન્ટ કોલાયર્સ ઇન્ડિયા અને કો-વર્કિંગ ઓપરેટર Awfisના સંયુક્ત રિપોર્ટમાં દેશભરના અનેકવિધ સેક્ટર્સમાં કર્મચારીઓના ઓફિસમાં પરત ફરવા અંગે જણાવે છે. ફેબ્રુઆરી મહિનામાં કોવિડ-19ની ત્રીજી લહેરની અસર ઓછી થતાં ઓફિસ પરત ફરવાનો ટ્રેન્ડ વધ્યો હતો. પરિણામે, જૂન 2022 સુધીમાં 34 ટકા કંપનીઓમાં 75-100 ટકા કર્મચારીઓ ઓફિસ પરત ફર્યા હતા. ટેલિકોમ અને કન્સલ્ટિંગ સેક્ટર્સમાં સૌથી વધુ 75-100 ટકા કર્મચારીઓ ઓફિસ પરત ફર્યા છે જ્યારે આઇટી અને નવી ટેક્નોલોજી કંપનીમાં હજુ પણ માત્ર 0-25 ટકા કર્મચારીઓએ ઓફિસ ફરીથી જોઇન કરી છે.