
શેરી મહોલ્લા અને પ્રાંત પ્રાંતમાં સાક્ષાત રામ લક્ષ્મણ જાનકી લંકાથી પાછાં ફર્યા હોય અને હવે તો રામરાજ્યની સ્થાપના થશે જ! એમ ઢોલ નગારા વગાડતી, આંગણિયે આસોપાલવનાં તોરણ બંધાવતી, ફટાકડાના ગડગડાટ કરતી, અને આનંદની છોળો ઉડાડતી દિવાળી આવી ગઈ છે. સમગ્ર વિશ્વને અજવાળાનાં તહેવારોની ખૂબ ખૂબ વધાઈ, અને ઈશ્વર કરે આ દીવાળી એ આપણી અંતરતમ્ ઈચ્છા પ્રબળ બને અને ચરણ રામરાજ્ય તરફ ગતિ કરે.આજે આસો વદ અગિયારસ એટલે કે રમા એકાદશી અને વાક બારસ એમ બે તિથિ એક સાથે છે, એટલે કે દિવાળીનાં તહેવારોનો પ્રારંભ થયો. બધાનાં આંગણામાં લક્ષ્મીના સ્વાગત માટે કોડિયા મૂકાઈ ગયા છે. વહેલી સવારે દરેક ઘરની ગૃહ લક્ષ્મી વહેલા જાગી આંગણું સાફ કરી, સ્નાન કરીને દીવા મૂકે તો એનાં ઘરમાં સદૈવ લક્ષ્મીનો વાસ રહે છે. એટલે કે ધનદોલત તો ખરી જ, પરંતુ કમાણી રૂપે જે ધન ઘરમાં આવે એનાથી શાંતિ બની રહે, અને બરકત થાય છે. અમે નાનાં હતાં ત્યારે સવારનાં દિવાળીનાં દિવસોમાં દીવા મુકવાની, આંગણામાં રંગોળી કરવાની, આંગણું સાફ રાખવાની, આ બધી જ ક્રિયાઓ પાછળનું કારણ જણાવતાં મમ્મી કહેતી કે, બ્રહ્મમૂહુર્તમાં ઈશ્વર પાર્વતી દિવાળીનાં દિવસોમાં ફરવા નીકળે, અને જેનાં ઘરે ઘર સાફ સુથરુ, અને દીવા મુક્યા હોય, આંગણામાં રંગોળી હોય, એને ઘેર ઈશ્વર કાયમ વસે છે. એટલે આપણે આવું બધું કરવાનું હોય,અને એ વાત ગાંઠ બાંધીને યાદ રાખી છે, તે આજ સુધી એ પરંપરા ચાલે છે. સાસરીના ઘરમાં પણ વડીલોની ધર્મ કર્મની ઉદાર મનોભાવનાએ જીવતરની રંગોળીમાં પરોપકારનો એક વૈવિધ્ય પૂર્ણ રંગ જાળવી શકાયો છે. તો રમા એટલે સ્ત્રી અને એને લઈને પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચેના સંવાદ રૂપે એક દંતકથા પ્રચલિત છે, તો આજે આપણે એકાદશી અને વાક બારસના મહાત્મ્ય વિશે વાત કરીશું.
- રમા એકાદશી* એકવાર ભગવાન શ્રીકૃષ્ણને યુધિષ્ઠિર બંને વચ્ચે સ્ત્રી વિશે ચર્ચા ચાલી કે સ્ત્રી કોને કહીશું, અને યુધિષ્ઠિરે સ્ત્રીની જે ઉત્કૃષ્ટ વ્યાખ્યા આપી છે, એ યુધિષ્ઠિરના શબ્દોમાં કહીએ તો આ મુજબ છે. यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवताः” જેની એક આંખમાં વિશ્વને ભસ્મીભૂત કરવાની શક્તિ અને બીજી આંખમાં વિશ્વનું સર્જન કરવાની શક્તિ છે, તેનું નામ સ્ત્રી. સ્ત્રીની સર્વોત્તમ પરિભાષા છેઃ સ્નેહ, સમર્પણ અને સહનશીલતા. સ્ત્રી એટલે ત્યાગ અને તપશ્ચર્યાની સાક્ષાત મૂર્તિ, સ્ત્રી થકી જ પુરુષની અવનતિ કે ઉન્નતિ સર્જાય છે. સ્ત્રીની સાચી શોભા અલંકારમાં નહિ, સદગુણોમાં છે. સ્ત્રીની અંતરંગ ધારાનો સહજ સ્વર છે સમર્પણ, પ્રતીક્ષા અને પ્રીતિના સંગમથી સ્ત્રી તીર્થ બને છે. સ્ત્રીની વ્યવસ્થા શક્તિ, દીર્ઘદ્રષ્ટિ, ઉત્સાહ, આવડત અને કરકસર પર આદર્શ ગૃહનું નિર્માણ થાય છે, માટે કહ્યું છે કે, “गृहिणी गृहं उच्यते” સ્ત્રી વગર ગૃહાસ્થાશ્રમ ખરેખર અધૂરો જ રહે છે, સ્ત્રી સંસારની શોભા છે. જોકે આ બધું હવે સમયની માંગ છે, એમ કહી ઘટતું જાય છે, અને એનું કારણ ઘરની મુખ્ય સ્ત્રી એટલે માતા છે, એણે જે રીતે વેલને સીંચી હોય એ રીતે સંસ્કાર આગળ વધે.
પૂર્વે મુચુકુંદ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તે ઇન્દ્રનો પરમ મિત્ર હતો. આ વિષ્ણુ ભક્ત કુબેર, યમ, વિભીષણ વગેરેનો પણ મિત્ર હતો. તેની પુત્રી ચંદ્રભાગા રાહકુમાર શોભનને પરણી હતી. એક વખત શોભન શ્વસુરગૃહે આવ્યો. રાજાએ સૌને ઢોલ પીટાવીને આસો વદ દસમના દિવસે આદેશ આપ્યો હતો કે એકાદશીનું વ્રત ફરજિયાત કરવાનું છે, શોભને પણ ઉપવાસ કર્યો પરંતુ ભૂખ-તરસને લીધે તેનું મૃત્યુ થયું. આથી ચંદ્રભાગા સતી થવા તૈયાર થઇ, પરંતુ પિતાએ તેમ કરવા ના કહી. આ વ્રતના પ્રભાવથી શોભન મંદરાચળ પર્વત પર દેવનગરીમાં રહેવા લાગ્યો. તેનો વૈભવ ઇન્દ્રના જેવો જ હતો. દેવાંગનાઓ તેની સેવામાં તત્પર રહેતી. મુનિવર્યની સલાહથી ચંદ્રભાગાએ આ એકાદશીનું વ્રત પ્રેમપૂર્વક કર્યું હતું, અને વ્રતના પ્રભાવથી તેને દૈવી સુખ પ્રાપ્ત થયું હતું, અને દિવ્ય દેહે શોભનનું સાન્નિધ્ય પ્રાપ્ત થયું હતું. કહેવાનું તાત્પર્ય એ છે કે, રમા એકાદશીની કથાનું શ્રવણ પઠન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઇ વૈકુંઠને પામે છે. આ ઉત્તમ વ્રતની ફલશ્રુતિ ઘણી મોટી છે. “જેવી ભાવના એવી સિદ્ધિ” રમા એટલે સ્ત્રી, એટલે કે પોતાની પત્નીનાં કહેવાથી મુચકુંદ રાજાએ આસો વદ એકાદશી કરી હતી, અને આ રાજારાણી બંને આ લોકમાં સર્વ પ્રકારનાં સુખ ભોગવી વિષ્ણુલોકમાં રમમાણ કરવા ગયાં હતાં, એટલે આ એકાદશીનું નામ રમા એકાદશી પડ્યું. આ કથા મહાપાપનાશક કહેવાય છે, કામધેનુ તુલ્ય આ રમા એકાદશીનો મહિમા પાવનકારી છે, હિતકારી અને પ્રીતકારી છે. વ્રત અતિ સરળ છે, વિધિમાં માત્ર ઉપવાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ વ્રત આબાલવૃદ્ધ સર્વ કરી શકે છે. એકાદશી વ્રત એ મોક્ષમાર્ગનું સોપાન છે.
વાક બારસ
વાક્ એટલે વાણી અને વાક્ એટલે વેદ, એ રીતે વાણીની દેવી મા સરસ્વતીની આરાધનાનો આ દિવસ છે.વાક બારસે વિદ્યાની દેવી સરસ્વતી પાસે શુદ્ધ જ્ઞાનની માંગ કરવામાં આવે છે! કે તન, મનની પેલે પાર આત્મા છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે. આમ હિન્દુ સંસ્કૃતિમાં નાની વાતમા ફિલોસોફી વણાયેલી હોય છે, અને ત્યાં દરેક વાર તિથિને કોઈને કોઈ રીતે મહત્તા આપી એનું મહાત્મ્ય વધાર્યું છે. જ્ઞાનની ઉપલબ્ધિ બતાવતો આ તહેવાર સમજવા જેવો છે,અને ખરેખર એનું પણ મહાત્મ્ય છે
આમ તો સીધી રીતે અગિયારસથી દિવાળીનો તહેવાર શરૂ થાય પણ ગામડાઓમાં ખેતી મજુરી કરનારાને રજાઓ પડે પછી જ ઘરના કામ પણ કરવાનાં હોવાથી ધન તેરસ પહેલાં પોતાના ઘરમાં ગાર લીંપણનું કામ કરે છે એટલે જે જૂના પોપડા હોય તેને કાઢી નવું લીંપણ થાય છે એટલે ગામમાં હજી કોઈ કોઈ તેને પોડા બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
પણ મૂળમાં તો ધન તેરસે લક્ષ્મીજીને આહવાન કરતાં પહેલાં જ્ઞાનની દેવી મા સરસ્વતી પાસે તન મન શુદ્ધ કરવા માટે આ તહેવાર છે, અને આવેલ ધન એશ્વર્યથી છકી જાય નહીં તથા નીતિનું વહન થતું રહે. આ ઉપરાંત સમુદ્ર મંથન માંથી ગાય નીકળી એ દિવસ આસો વદ બારસનો હતો, ગાયને હિન્દુ સંસ્કૃતિમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, ગાયમાં તેત્રીસ કોટી દેવતા ઓનો વાસ છે, એટલે આ દિવસ ગૌવત્સ દ્વાદશી તરીકે પણ ઓળખાય છે. ગુરુ વગર જ્ઞાન કોણ આપે! એટલે કેટલાક તેને ગુરુ દ્વાદશી તરીકે ઓળખે છે.
આ ઉપરાંત ઘણા માને છે કે બારસને ‘વાઘ બારસ’ તરીકે ઓળખવામાં આવી છે. વાઘ સામર્થ્યનું પ્રતીક છે. મનુષ્યે નૂતન કર્મનાં પ્રારંભ માટે સમર્થ થવાનું છે, પરાક્રમી થવાનું છે, જોખમ ખેડવાનું છે, સ્થૂળ પ્રાપ્તિ માટે પણ આ ગુણો જરૂરી છે. પરંતુ આંતરસમૃદ્ધિ વધારવા માટે તો ઘણા વધારે સમર્થ, પરાક્રમી થવું જરૂરી છે. એ આસાન માર્ગ નથી. એટલે જોખમ ખેડવાનું છે. એવા સામર્થ્યની ઉપાસના કરવાનું પર્વ એટલે વાઘબારસ.
દિવાળીનાં તહેવારોની સૌને ખૂબ ખૂબ શુભેચ્છા, અને સમાજનાં એકોએક વર્ગના ઘરમાં આ દિવાળીએ આનંદનો પ્રકાશ પથરાય, અને એમના આંગણાં પણ હર્ષોલ્લાસની રંગોળીથી સજે. જય શ્રીરામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


