ટોક્યો: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પહેલો મેડલ જીતી લીધો છે. વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ મહિલાઓની 49 કિલોની વેઇટ કેટેગરીમાં કુલ 202 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીતી છે. ચીનની હોઉ જિહૂઈએ 210 કિલોગ્રામ વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ઈન્ડોનેશિયાની કેન્ટિકા વિન્ડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.બીજી તરફ, ભારતીય શૂટર સૌરભ ચૌધરી 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટની ફાઈનલમાં પહોંચી ગયો છે. સૌરભ 6ઠ્ઠી સિરીઝના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં 600 પોઇન્ટમાંથી 586 સ્કોર પર પ્રથમ રહ્યો હતો. આ ઇવેન્ટમાં અન્ય એક બીજા ભારતીય શૂટર અભિષેકને ક્વોલિફાઇંગ રાઉન્ડમાં જ બહાર કરી દેવાયો હતો. 575 પોઇન્ટ સાથે તે 17મા ક્રમે રહ્યો છે. ક્વોલિફાઇંગમાં ટોપ -8 સ્થાને રહેનારા શૂટરને ફાઇનલમાં જગ્યા મળે છે. શનિવારે ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ માટે સ્પર્ધાઓ શરૂ થઈ હતી. ભારતીય ખેલાડીઓની શરૂઆત મિશ્ર પરિણામ સાથે થઈ છે. તીરંદાજીની મિશ્રિત ઇવેન્ટમાં દીપિકા કુમારી અને પ્રવીણ જાધવની જોડી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યારે શૂટિંગમાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ભારતની ઇલાવેનિલ વાલારિવન અને અપૂર્વી ચંદેલા ફાઇનલ માટે ક્વોલિફાઇ ન કરી શકી.પુરુષોની હોકીમાં પુરુષ વિભાગના પૂલ એમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ ચાલી રહી છે. ભારતીય ટીમ ચોથા ક્વાર્ટરમાં 3-2થી આગળ છે. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહે 2 (26મી અને 33મી મિનિટ) અને રૂપિંદર પાલસિંહે (10મી મિનિટ) એક ગોલ કર્યો છે. ન્યૂઝીલેન્ડ તરફથી કેન રસેલે છઠ્ઠી મિનિટમાં પ્રથમ અને સ્ટીફન જેનેસ (43મી મિનિટ)માં ગોલ કર્યો હતો.ચીને ટોક્યો ઓલિમ્પિક્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ચીનની યાંગ ક્વિનાને ફાઇનલમાં 251.8 ના સ્કોર સાથે ઓલિમ્પિક રેકોર્ડ બનાવતા ગોલ્ડ મેડલ જીત્યો. રશિયાની અનાસ્તાસિયા ગાલાસિનાએ સિલ્વર અને સ્વિટ્ઝર્લેન્ડની નીના ક્રિસ્ટિએને બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય શૂટર ઇલાવેનિલ વાલારિવન અને અપૂર્વી ચંદેલા ક્વાલિફિકેશન રાઉન્ડમાં જ બહાર નીકળી ગઈ.
ટોક્યો ઓલિમ્પિક્સ: મીરાબાઈ ચાનુએ ભારતને અપાવ્યો પહેલો મેડલ,વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મળ્યો
Date: