અમદાવાદ : દેશની સૌથી વધારે ઝડપ ધરાવતી ‘વંદે ભારત એક્સપ્રેસ’ ગુરૂવારે નાનકડી દુર્ઘટનાનો ભોગ બની હતી. અમદાવાદમાં વટવા અને મણિનગર સ્ટેશન પાસે બપોરે 11:18 કલાકે ટ્રેનની સામે ભેંસોનું એક ઝુંડ આવી ગયું હતું. આ કારણે ટ્રેનનો આગળનો હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો હતો અને 20 મિનિટ જેટલો વિલંબ થયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજાઓ નહોતી પહોંચી અને માત્ર ટ્રેનના આગળના હિસ્સાને નુકસાન પહોંચ્યું હતું. ટ્રેનના ફંક્શનલ હિસ્સાને કોઈ નુકસાન નહોતું પહોંચ્યુ અને બાદમાં તેનું સમારકામ કરી દેવામાં આવ્યું છે. ટ્રેન જ્યારે મુંબઈથી ગાંધીનગર જઈ રહી હતી તે સમયે આ પ્રકારે દુર્ઘટના બની હતી. રેલવે સીપીઆરઓ સુમિત ઠાકુરે જણાવ્યું કે, ગ્રામીણોને તેઓ પોતાના ઢોરને ટ્રેક પાસે ન આવવા દે તે માટે સલાહ આપવામાં આવી છે. અકસ્માતના 24 કલાકની અંદર જ કોચિંગ કેર સેન્ટરમાં ટ્રેનનું સમારકામ કરી દેવામાં આવ્યું છે. મુંબઈ સેન્ટ્રલ ડેપો ખાતે ક્ષતિગ્રસ્ત હિસ્સાને બદલી દેવામાં આવ્યો હતો. અકસ્માત વખતે ટ્રેનનો ચાલક સંપૂર્ણપણે સતર્ક હતો અને તેણે તરત જ ટ્રેનની વ્હીસલ વગાડી હતી અને બ્રેક પણ મારી હતી. જોકે સમય ઓછો હતો અને નાનકડો અકસ્માત થયો હતો. ગ્રામીણોને તેમના પશુઓને રેલવે ટ્રેકથી દૂર રાખવા સલાહ આપવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે વાડ પણ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ દેશની ત્રીજી વંદે ભારત ટ્રેન છે. અગાઉ નવી દિલ્હી અને વારાણસી તથા નવી દિલ્હી અને માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે વંદે ભારત ટ્રેન દોડી રહી હતી. આ ટ્રેન ગાંધીનગરથી અમદાવાદ થઈને મુંબઈ સુધી જાય છે. સાથે જ તે રૂટ પર પરત ગાંધીનગર આવે છે. પશ્ચિમ રેલવે ગાંધીનગર-અમદાવાદ રૂટ પર ટ્રેનની ઝડપ વધારીને 160 કિમી પ્રતિ કલાક કરવા માટે તૈયારીઓ કરી રહ્યું છે.