આ તબક્કામાં 35 બેઠક પર 283 ઉમેદવાર મેદાનમાં
કોલકાતા : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના 8મા અને અંતિમ તબક્કામાં 35 બેઠક માટે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે. આ તબક્કામાં 283 ઉમેદવારનાં ભાવિનો નિર્ણય થશે. મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાં લઘુમતીના મતો પર દરેકની નજર રહેશે. આ દૃષ્ટિકોણથી, આ વખતે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો રહેવાનો છે. છેલ્લા સાત તબક્કામાં TMC અને માત્ર ભાજપ જ આમને-સામને રહ્યા છે.ચૂંટણીપંચે આઠમા તબક્કામાં હિંસા અટકાવવા કેન્દ્રીય સુરક્ષા દળોની 753 કંપનીને તહેનાત કરી છે. હિંસા માટે જાણીતા બીરભૂમ, મુર્શિદાબાદ અને માલદા જિલ્લામાં જવાનો તહેનાત કરાયા છે. બીરભૂમ જિલ્લામાં કેન્દ્રીય સુરક્ષાદળની 224 કંપની તહેનાત કરવામાં આવી છે. મુર્શિદાબાદમાં 212 કંપની, માલદામાં 110 અને કોલકાતા ઉત્તરમાં 95 કંપની તહેનાત કરવામાં આવી છે.આ 35 બેઠકના ઉમેદવારોનું ભાવિ 41 લાખ 21 હજાર 735 મહિલા મતદારો અને 158 ટ્રાન્સજેન્ડર મતદારો સહિત કુલ 84 લાખ 77 હજાર 728 મતદારો નક્કી કરશે, જેમાં પુરુષ મતદારોનો સમાવેશ થાય છે, જેમની સંખ્યા 43 લાખ 55 હજાર 835 છે. મતદાન સાંજના 6:30 વાગ્યા સુધી ચાલશે. મતદાન માટે કુલ 11,860 બૂથ બનાવવામાં આવ્યાં છે. આમાં બીરભૂમમાં 3908, માલદામાં 2073, મુર્શિદાબાદમાં 3,796 અને કોલકાતા ઉત્તરમાં 2,083 મતદાન મથકો છે.