વડોદરા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો સમય જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ-તેમ આમ આદમી પાર્ટી પણ હવે ગુજરાતમાં પોતાના પ્રચાર પ્રસારના પ્રયાસો મજબૂત કરી રહી છે. તેવામાં ગુજરાતના પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જામનગર બાદ વડોદરા પહોંચ્યા હતા. વડોદરા એરપોર્ટ ખાતે તેમણે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, વેપારીઓને ગુજરાતમાં ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે. ગુજરાતમાં ખૂબ ભ્રષ્ટાચાર છે અને તેમને કામ કરવામાં મુશ્કેલી પડે છે. આપની સરકાર બનશે તો વેપારીઓને ભય વગર વેપાર કરવાનું વાતાવરણ બનશે. તેમણે કહ્યું હતું કે, પંજાબ અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ વિનામૂલ્યે વીજળીના બિલ આવતા થશે. સાથે જ જેલમાં નાખવાની રાજનીતિ પણ બંધ થવી જોઈએ. ગુજરાતના યુવાઓમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે. સરકારી નોકરી માટે અરજી કરે તો પેપર ફૂટી જાય છે. અમે રોજગાર માટે ગેરેન્ટી આપી. અમે દિલ્હીમાં ચાર-પાંચ વર્ષમાં 12 લાખ રોજગારી આપી. અમે આગામી પાંચ વર્ષમાં ગુજરાતના દરેક યુવા બેરોજગારને રોજગાર આપીશું. જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી માસિક 3 હજાર ભથ્થું આપીશું.તેમણે કહ્યું કે, 10 લાખ સરકારી નોકરીની તકો ઉભી કરીશું. તેનું માળખું તૈયાર કર્યું છે, હવામાં વાત કરતાં નથી. સરકારી નોકરીના ફૂટી જતાં પેપર સામે કડક કાર્યવાહી અને આકરી સજાની જોગવાઇ કરીશું. કોર્પોરેટ સેક્ટરમાં ભાઇ-ભત્રીજાવાદ દૂર કરી પારદર્શક રીતે તમામ માટે તકો ખુલી મૂકાશે.