સુરત : સરદારધામ વિશ્વ પાટીદાર સમાજના ઉપક્રમે રાજ્યના આર્થિક પાટનગર સુરતમાં આજથા શુક્રવારથી ત્રણ દિવસની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના સરસાણા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે 29 એપ્રિલથી 1 મે સુધી યોજાનાર આ સમિટનું ઉદઘાટન કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્ચ્યુલ રીતે કર્યુ હતુ.પીએમ મોદીએ સમિટનું ઉદ્ધાટન કરીને કહ્યુ કે, આધુનિક કનેક્ટિવિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, નવા શહેરોનું નિર્માણ, જૂના શહેરોમાં સ્માર્ટ સુવિધાઓ વિકસાવવી, દેશને જૂના નિયમો અને કાયદાઓમાંથી મુક્ત કરવો અને નવીનતા અને વિચારોનો હાથ પકડવો, આવા તમામ કાર્યો એકસાથે થઈ રહ્યા છે.પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, દેશવાસીઓ, જે શેરીમાં નાનો વેપાર કરે છે, તે પોતાને આજે ભારતની વિકાસગાથા સાથે જોડાયેલો અનુભવે છે. પ્રથમ વખત, શેરી વિક્રેતાઓને પણ PM સ્વાનિધિ યોજનામાંથી ઔપચારિક બેંકિંગ સિસ્ટમમાં ભાગીદારી મળી છે. તાજેતરમાં અમારી સરકારે આ યોજનાને ડિસેમ્બર 2024 સુધી લંબાવી છે.પીએમ મોદીએ પાટીદારોને ખેડૂતો માટે કામ કરવા માટે પ્રેરણા આપતા જણાવ્યુ કે, અહીં બેઠા છે તેમાંથી 90 ટકા લોકોના વડવાઓ ખેડૂતો હશે. આજે તમે અરબો ખરબોનો વેપાર કરો છો તો ગુજરાતની ખેતીને આધુનિક બનાવવો. આપણે બહારથી અનાજ નથી લાવવું પ્રાકૃતિક ખેતીમાં કામ કરો. જેમ હિરા ચમકાવો એમ ખેડુતોની મહેનત પણ ચમકાવો, ભારત સરકારે ગોબરધન પ્રોજેકટ નક્કી કર્યો છે. દરેક જિલ્લામાં 75 મોટા અમૃત સરોવર બનાવીએ.સુરતનાં સાંસદ દર્શનાબહેન જરદોષ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના સભ્યો પૂર્ણેશ મોદી, હર્ષસંઘવી, વિનુભાઇ મોરડિયા, મુકેશ પટેલ ઉપરાંત સુરતનાં મેયર હેમાલી બોઘાવાલા, ડે. મેયર દિનેશ જોધાણી તેમજ પાટીદાર આગેવાનો ગોવિંદભાઇ ધોળકિયા, સવજીભાઇ ધોળકિયા, લવજીભાઇ બાદશાહ, મથુરભાઇ સવાણી, દિનેશભાઇ નાવડિયા વગેરે સહિત વિશ્વના વિવિધ દેશોના પાટીદાર અગ્રણીઓ –બિઝનેસ પર્સન્સ સહિત અનેક નાના મોટા ઉદ્યોગ સાહસિકો આ સમિટમાં ભાગ લેશે. માત્ર પાટીદાર જ નહીં પણ સર્વ સમાજના ઔદ્યોગિકક વ્યાપારીઓ પણ આ ગ્લોબલ સમિટમાં હાજરી આપશે.