રોહિતને ટેસ્ટમાં પણ ઓપનિંગમાં તક આપવાની જરૂર છે: ગાંગુલી

0
1

નવી દિલ્હી

ભારતે વિન્ડિઝ પ્રવાસમાં યજમાનો સામેની બે ટેસ્ટની શ્રેણી ૨-૦થી ક્લિન સ્વિપ કરતાં આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં દબદબાભેર પ્રારંભ કરી લીધો છે. વિન્ડિઝ સામેની એકતરફી સફળતા છતાં ટીમ ઈન્ડિયા હજુ ઓપનિંગની સમસ્યા ઉકેલી શકી નથી. વિન્ડિઝ સામેની બંને ટેસ્ટમાં ઓપનર લોકેશ રાહુલ પ્રભાવ પાડી શક્યો નહતો અને આ કારણે ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલીએ માગ કરી છે કે, ટીમ ઈન્ડિયાએ ટેસ્ટમાં પણ રોહિત શર્માને ઓપનિંગમાં ઉતારવો જોઈએ.વિન્ડિઝ પ્રવાસમાં રોહિત શર્માને ટેસ્ટ ટીમમા તો સ્થાન મળ્યું હતુ. જોકે બંનેમાંથી એક પણ ટેસ્ટમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નહતી. ભારતને હવે ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે, ત્યારે કેપ્ટન કોહલીની આગેવાની હેઠળની ટીમ ગાંગુલીની સલાહને અમલમાં મૂકે છે કે નહી તે જોવાનું રહેશે.ગાંગુલીએ એક અખબારમાં લખ્યું કે, વર્લ્ડ કપ બાદ ભારતે વિન્ડિઝ પ્રવાસમાં શાનદાર દેખાવ કર્યો પણ કેટલાક વિસ્તારોમાં સુધારાની જરૃર છે. ભારતને ઓપનિંગમાં સુધારો કરવાની જરુર છે. મયંક અગ્રવાલે પોઝિટીવ રમત દેખાડી છે અને તે હજુ વધુ તક મેળવવાનો હકદાર પણ છે. જોકે તેનો ઓપનિંગ જોડીદાર લોકેશ રાહુલ સતત તક મળવા છતાં ચમકારો દેખાડી શક્યો નથી અને ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરમાં આ સ્થાન પર ફેરફારની જરૃરિયાત જણાય છે.રોહિત શર્માની તરફેણ કરતાં ગાંગુલીએ જણાવ્યું કે, મારી સલાહ છે કે, ભારતે રોહિત શર્માને ટેસ્ટમાં ઓપનર તરીકે તક આપવાની જરુર છે. હું દ્રઢપણે માનુ છું કે, તેના જેવી પ્રતિભાને એક તરફ રહેવા દેવાને બદલે તેને મેદાનમાં ઉતારવો જોઈએ. વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ બાદ તે ટેસ્ટ ક્રિકેટમાં પણ તક ઝડપી લેવા ઉત્સુક હશે જ તેમ હુ માનુ છું. રહાણે અને વિહારી મીડલ ઓર્ડરમાં સેટ થઈ ચૂક્યા હોવાથી હાલ ટીમ ઈન્ડિયાના મીડલ ઓર્ડરમાં પરીવર્તનની શક્યતા નથીટીમ ઈન્ડિયાએ હાલના તબક્કે આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ૧૨૦ પોઈન્ટ્સ સાથે ટોચનું સ્થાન હાંસલ કરી લીધું છે. હવે સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણાની સિરીઝનો ઈંતજાર છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ૧૫મી સપ્ટેમ્બરથી ત્રણ ટી-૨૦ની શરૃઆત થશે. જે પછી બંને દેશો વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમાશે.