અમદાવાદ: રાજ્યમાં મહીલાઓની છેડતી અને અત્યાચારની વચ્ચે રાજ્ય સરકારે મહીલાઓની સુરક્ષા માટે કડક પગલા લીધા છે. અમદાવાદ પછી વડોદરા શહેરમાં મહિલા તેમજ બાળકોની સુરક્ષા માટે વિશેષ શી- ટીમની રચના કરવામાં આવી છે. રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગાંધીનગર ગૃહ ખાતેથી ફ્લેગ ઓફ આપીને શી-ટીમને પ્રસ્થાન કરાવ્યુ છે.આ પ્રસંગે ગૃહમંત્રીએ જણાવ્યુ હતુ કે હવે મહિલાઓની છેડતી કરનારાઓ રોમિયોને છોડવામા નહી આવે તથા મહિલાઓ, બાળકો તેમજ સિનિયર સીટીઝનની સુરક્ષા માટે વિશેષ શી-ટીમ તૈનાત કરવામાં આવી છે. દરેક ટીમમાં છ મહિલાઓ હશે અને આ ટીમ દ્વારા વાહનોમાં પેટ્રોલિંગ કરવામાં આવશે. વડોદરા પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, બાળકો, મહિલાઓ, તેમજ વયોવૃદ્ધ વરિષ્ઠો માટે પોલીસ સતર્કતા કાર્ય કરશે, દરેક પોલીસ સ્ટેશનમાંઆ ટીમની રચના કરાઈ છે. ટ્રાફીક એ.સી.પીની અધ્યક્ષતા શી-ટીમ કાર્યરત રહેશે. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજન ભટ્ટ, મંત્રી યોગેશ પટેલ સહિત શહેર પોલીસ કમિશ્નર શમશેરસિંહ ઉપસ્થિત રહ્યા હતાં.