હાલ રાજયમાં રાજપીપળા નજીક આવેલા નર્મદા ડેમ સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરોધના ભાગરૂપે આદિવાસીઓ દ્વારા વિવિધ સ્થળોએ લગાવવામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પોસ્ટરોને ફાડવામાં આવી રહ્યાં છે. આદિવાસીઓ દ્વારા કરવામાં આવી રહેલો આ વિરોધ કયાંક રાજયવ્યાપી ન બની જાય તે માટે સરકારે પ્રત્યેક પોસ્ટર પાસે બે પોલીસ જવાનોને સુરક્ષા માટે ગોઠવ્યા છે.
અગામી તા.31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે. ત્યારે વિવિધ જિલ્લાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણને લગતા પોસ્ટરો સરકાર દ્વારા વિવિધ સ્થળોએ લગાડવામાં આવ્યા છે. જોકે આ પોસ્ટરોને આદિવાસીઓએ નર્મદા જિલ્લામાં ફાંડતા સરકાર સફાળી જાગી છે. અને હાલ પ્રત્યેક પોસ્ટર પાસે બે પોલીસ જવાનોને આ પોસ્ટરની રખેવાળી કરવા માટે ગોઠવી દેવામાં આવ્યાં છે.
આ પોસ્ટરમાં એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ચિત્ર દર્શાવીને પ્રતિમા વિશ્વની સર્વોચ્ચ 600 ફુટ ઉંચાઈ ધરાવતી પ્રતિમા હોવાની માહિતી આપવામાં આવી છે. આ સિવાય તેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ આકર્ષણો અંગે અને સરદાર વલ્લભભાઈ પટેલ એકતા યાત્રા વિશે માહિતી આપવામાં આવી છે.
થોડા દિવસો અગાઉ જ ઝઘડિયા મતક્ષેત્રના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કર્યો હતો. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને ટ્રાઈબલો વિરુદ્ધના ષંડયત્ર તરીકે ઓળખાવ્યું હતું. વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે આદિવાસીઓને કોઈ જ ફાયદો થવાનો નથી. આ પ્રોજેકટથી માત્રને માત્ર મલ્ટિનેશનલ કંપનીઓને ફાયદો થશે. આ એક બિઝનેસ સ્ટ્રેટેજી છે. અગામી તા.31 ઓક્ટોબરના રોજ આદિવાસીઓ તેનો વિરોધ કરશે