1999માં બોમ્બથી બેને ઉડાવનાર જ નીકળ્યો ઉપલેટા પાર્સલ બોમ્બનો આરોપી, સ્કૂલ ટ્રસ્ટીને પરિવાર સાથે ઉડાવવાનો હતો પ્લાન

0
55
news/SAU-RJK-HMU-NL-police-arrested-acussed-of-upaleta-parsal-bomb-case-gujarati-new
news/SAU-RJK-HMU-NL-police-arrested-acussed-of-upaleta-parsal-bomb-case-gujarati-new

ઉપલેટાની ક્રિષ્ના સ્કૂલમાં બે દિવસ પહેલા પાર્સલ બોમ્બ મળી આવ્યો હતો. આ કેસમાં મુખ્ય આરોપીને પોલીસ ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા શખ્સે પોલીસને કબૂલાત આપી હતી કે, મકાનના રૂપિયાની લેતી દેતીમાં વાંધો પડ્યો હોવાથી સ્કૂલના ટ્રસ્ટીને પરિવાર સાથે ઉડાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો. રાજકોટ રૂરલ પોલીસે આરોપી પાસેથી અલગ અલગ ચીજવસ્તુઓ કબ્જે કરી છે. અગાઉ આ જ શખ્સે બોમ્બથી બે વ્યક્તિને ઉડાવી દીધા હતા.

1999ની સાલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 2ના મોત થયા હતા તેનો પણ ભેદ ઉકેલાયો

ઉપલેટામાં પાર્સલ બોમ્બનો માસ્ટર માઇન્ડ પટેલ વૃદ્ધ નાથાભાઇરવજીભાઇ ડોબરીયા (ઉ.68)ને ઝડપી પાડતા 1999ની સાલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 2ના મોત થયા હતા તેનો પણ ભેદ ઉકેલાયો છે. 2006માં આરોપીએ ફરિયાદીને એક મકાન વેચ્યું હતું. જેમાં પૈસાની લેતીદેતી મામલે કોર્ટ કેસ ચાલી રહ્યો હતો. જેનાથી ત્રાસીને ફરિયાદીને વિસ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાનું નક્કી કર્યું હતું. શંકા ન જાય તે માટે રાજકોટથી કુરિયર કરવાને બદલે અમરેલી જઇને ત્યાંથી કુરિયર કર્યું હતું.

આરોપી પાસેથી કબ્જે કરેલી વસ્તુઓ

-ટ્રાવેલિંગ બેગ નંગ 1

-બ્લુ કલરની પોલીથીન બેગ નંગ 1

-કપડાં જોડી 1

-બુટ જોડી 1

-ચશ્મા નંગ 1

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

આરોપીને 1998-1999માં પિતાની જમીન બાબતે ગીરીશભાઈ લખમણભાઈ સોજીત્રા તથા રતિલાલ જીવાભાઈ પાદરિયા સાથે તકરાર થતા આવી જ રીતે ગિફ્ટ પાર્સલ બનાવી રૂબરૂ આપ્યું હતું. જેમાં બોમ્બ બ્લાસ્ટમાં ઉપરોક્ત બંનેના મોત નીપજ્યા હતા. તેમજ અન્ય એક વ્યક્તિ બટુકભાઈ મુરાણીને ઇજા થઈ હતી. આ વણ શોધાયેલો ગુનો પણ આરોપીએ કબૂલ્યો હતો.

પોતાના ઘરે જ 3 મહિના સુધી બોમ્બ બનાવ્યો હતો

નાથાભાઇએ પોતાના ઘરે જ 3 મહિના સુધી ઘરે જાતે બોમ્બ બનાવ્યો હતો. ઘરના સભ્યોથી છુપાવી બોમ્બ બનાવવામાં આવ્યો હતો. છાને ખૂણે બોમ્બ બનાવતો હતો. આ બોમ્બની તીવ્રતા એટલી હતી કે તેમાં 8 જીલેટિન, 9 ડિટોનેટર હતા. જો આ બોમ્બ ફૂટ્યો હોત તો આખો પરિવાર મોતને ઘાટ ઉતરી ગયો હોત. 1998-99 વખતે બોમ્બ બનાવાયો હતો તેમાં 4 ડિટોનેટ ફીટ કર્યા હતા. જેમાં બેના મોત થયા હતા.

પાર્સલ પર લખ્યું હતું કે પરિવાર સાથે મળીને ગિફ્ટ ખોલજો

ઉપલેટા ક્રિષ્ના સ્કૂલના સંચાલક વલ્લભ ડોબરીયા નામથી નાથાભાઇએ પાર્સલ બોમ્બ મોકલ્યો હતો. પાર્સલ પર એવું લખ્યું હતું કે, પરિવાર સાથે મળીને ગિફ્ટ ખોલજો. જો વલ્લભભાઇએ પરિવાર સાથે આ પાર્સલ ખોલ્યું હોત તો આખો પરિવાર મોતને ઘાટ ઉતરી જાત. અમરેલીની આંગડિયા પેઢીના સીસીટીવીના આધારે આખી ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસથી બચવા માટે નાથાભાઇએ રાજકોટને બદલે અમરેલીથી બોમ્બનું પાર્સલ મોકલ્યું હતું.

સ્કૂલ સંચાલકને શંકા ગઇ અને ઉપલેટા પોલીસને જાણ કરી એટલે આખો પરિવાર હેમખેમ બચી ગયો

પાર્સલ ઉપર રહેલા કવરની વિગત મુજબ આ પાર્સલ તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ મોકલ્યુ હતું. જેની સાથેના કવરમાં પત્ર હતો. જેમા લખેલું હતું કે મને દિલ્હીમાં સારી પોસ્ટ મળી ગઇ છે. આ પાર્સલમાં એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અને તે દિવસમાં ત્રણવાર રંગ બદલે છે. અને એક ચેક આપને મોકલું છું. મારો જન્મ દિવસ 14/10 અને ટાઇમ 6.20 હોય તો આ પાર્સલ રવિવારે સાંજના 6-20 કલાકે તમારા સમગ્ર પરિવાર સાથે મળીને ખોલજો અને તમારા પુત્રના હાથે ખોલાવજો. જેને પગલે પ્રો ડોબરિયાએ પાર્સલ ઓફિસમાં રાખી દીધુ હતું. રવિવારના આ પાર્સલ ખોલવાનું હતું. પ્રો ડોબરીયાના કહેવા મુજબ તેઓ પાર્સલ ખોલતા ભૂલી ગયા હતા. મંગળવારે સાંજે તેમને આ પાર્સલ ખોલવાનું યાદ આવ્યું હતું. પાર્સલ હાથમાં લેતા તેમને શંકા ઉપજી હતી અને ઉપલેટા પોલીસને જાણ કરવામાં આવી હતી. ભેદી પાર્સલની જાણ થતાં ઉપલેટા પી.આઈ પલ્લાચાર્ય તથા પોલીસ ટીમ ક્રિષ્ના શૈક્ષણિક સ્કૂલ ખાતે દોડી ગઇ હતી. પાર્સલ જોતા શંકા જતા સંસ્થાથી દૂર ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ જઈને સલામત જગ્યાએ ખોલતા તેમા પાર્સલ બોમ્બ હોવાની જાણ થઇ હતી. આ બનાવની જાણ એસપી તથા આઈજીને થતા મંગળવાર રાત્રે આર.આર. સેલ અને એલસીબીની ટીમ, એફએસએલની ટીમ તથા જુનાગઢ બોમ્બ ડીફ્યુઝલ કરી શકે તેવા નિષ્ણાંતોની ટીમ બોલાવી હતી. ગઈકાલે રાત્રે એફ.એસ.એલ.ની ટીમ અને બોમ્બ સ્કોડે આવીને આ બોમ્બ નિષ્ક્રિય બનાવ્યો હતો.

અમરેલીથી પાર્સલ બોમ્બ રવાના કર્યો હતો

આ પાર્સલ બોમ્બ અમરેલીથી રવાના કરાયો હોવાની મહત્વપૂર્ણ કડી પોલીસને સાંપડી હતી. આંગડિયામાં આવેલું પાર્સલ બ્લૂ ડાર્ટ નામની આંગડિયા પેઢી મારફતે આવેલું હોવાનું જણાતા આ આંગડિયા પેઢીના સંચાલકની અટકાયત કરી હતી. ત્યારે પેઢીના સંચાલકને પૂછપરછ કરતા પાર્સલ અમરેલીથી આવ્યું હતું તેવું જણાવ્યું હતું. એસપીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ અડધો ડઝન ટુકડીઓ દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરાયો હતો. આ પ્રકરણમાં 25 થી 30 શખ્સોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

news/SAU-RJK-HMU-NL-police-arrested-acussed-of-upaleta-parsal-bomb-case-gujarati-new
news/SAU-RJK-HMU-NL-police-arrested-acussed-of-upaleta-parsal-bomb-case-gujarati-new