રેલી દરમિયાન અર્થતંત્ર સુધારવા રોડ-મેપ આપતા કહ્યું : જો સરકાર પાસે અન્ય વિકલ્પ હોય તો તેઓ ઘરે બેસવા તૈયાર છે પાકિસ્તાન સરકાર દ્વારા લાહોરમાં લોકોને આવતા રોકવા માટે કન્ટેનર્સ અને બેરીકેટ્સ પણ મૂક્યા હતા તેમ છતાં ગઈકાલે રાત્રે લાહોરમાં મીનાર-એ- પાકિસ્તાન પાસે યોજાયેલ ઇમરાનખાનની રેલીમાં હજારો લોકો કન્ટેનર્સ અને બેરિકેટ્સને પણ હટાવીને પહોંચી ગયા હતા.
તે સર્વવિદિત છે કે ઇમરાનખાન તેમની હત્યાની સંભાવનાથી સતત સાવચેત રહે છે તેથી તેઓએ બુલેટપ્રુફ કાચની આડશની પાછળ રહી તે વિશાળ મેદનીને સંબોધી હતી.
રેલીમાં ઇમરાનખાને ૨,૦૦૦થી વધુ પોતાના પક્ષના કાર્યકરોની ધરપકડ કરવાના અને અનેકને પ્રતાડિત કરવાના પણ ઇમરાને સરકાર પર આક્ષેપ મૂક્યા હતા.
આ રેલીમાં ઇમરાને દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢવાનો એક રોડ-મેપ રજૂ કર્યો હતો. સાથે કહ્યું હતું કે, જો સરકાર પાસે કોઈ સારો એજન્ડા હોય તો તેઓ ઘરે બેસવા તૈયાર છે. પરંતુ અત્યારે તો એવું લાગે છે કે, સરકાર તેમ માને છે કે દેશમાં કોઈપણ સમસ્યા હોય તો તે એકમાત્ર ઇમરાનખાન જ છે.
આર્થિક સ્થિતિ સુધારવા તેઓએ સૂચવ્યું હતું કે સૌથી પહેલાં તો સરકારે કરની વસુલાત મજબૂત રીતે કરવી પડે. બીજું નિકાસ વધારવી પડે તે માટે કઠોર નિર્ણયો પણ લેવા પડે. આપણું ઘર (દેશ) વ્યવસ્થિત કરવા માટે ખૂબ મોટી સર્જરીની જરૂર છે. પ્રવાસી દેશવાસીઓએ પોતાના ડોલર દેશમાં મોકલવા જોઈએ તે માટે તેમને પ્રોત્સાહિત કરવા પડે. ટેક્સ બેઝ વધારવો પડે અને યુવાનોને બંધક યોજના પુનર્જિવિત કરી વ્યાપાર ઉદ્યોગ માટે લોનો આપવાની જરૂર છે.