– અમલી બનેલા નવા વેરા નિયમની પ્રતિકૂળ અસર
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ જ મહિનામાં લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશનના નવા બિઝનેસ પેટેના પ્રીમિયમ મારફતની આવકમાં વાર્ષિક ધોરણે પ૦ ટકા જેટલો ઘટાડો થયો છે. ૨૦૨૨ના એપ્રિલની સરખામણીએ વર્તમાન વર્ષના એપ્રિલમાં નવા બિઝનેસ પેટેના પ્રીમિયમ મારફતની આવક ઘટી રૂપિયા ૫૮૧૦.૧૦ કરોડ રહી હતી.
વર્તમાન નાણાં વર્ષથી ઊંચા પ્રીમિયમ સાથેના જીવન વીમા પ્રોડકટસ પર વેરા લાભ નાબુદ કરાતા નવા વેપાર પર અસર પડી હોવાનું જોવા મળી રહ્યું છે.
સંપૂર્ણ જીવન વીમા ઉદ્યોગની નવા બિઝનેસ પ્રીમિયમની આવકમાં ૩૦ ટકા ગાબડું પડયું હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે.
જીવન વીમા પ્રોડકટસ એ કોઈ લકઝરી પ્રોડકસ ન હોવાથી તેના પર વેરા લાભ મળવા જોઈએ તેવી ઉદ્યોગની માગણી છતાં વર્તમાન નાણાં વર્ષથી વાર્ષિક રૂપિયા પાંચ લાખથી વધુના વીમા પ્રોડકટસ પર પાકતી મુદતે ટેકસ વસૂલવાની દરખાસ્ત અમલમાં આવી છે.
આ નવા ધોરણને કારણે ઊંચી કિંમતના જીવન વીમા પ્રોડકટસ માટેના આકર્ષણમાં ઘટાડો થઈ રહ્યાનું ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું. સામાન્ય રીતે કોઈ નાણાં વર્ષના શરૂઆતના મહિનાઓમાં વીમા વેપાર મંદ રહેતો હોય છે અને પછીના ગાળામાં વેરા રાહતના લાભ મેળવવા વીમા પ્રોડકટસ ખરીદાતા હોવાનું જોવા મળી છે.
વર્તમાન વર્ષથી નવા વેરા નિયમને જોતા ઊંચા પ્રીમિયમ સાથેના વીમા પ્રોડકટસના વેચાણ પર અસર જોવા મળશે એમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.
કોઈ વર્ષ દરમિયાન નવી પોલિસી મારફત આવતા પ્રીમિયમને નવા બિઝનેસ પ્રીમિયમ તરીકે ઓળખવામાં આવે છે.
દરમિયાન લિસ્ટિંગના એક વર્ષ બાદ એલઆઈસીના શેરભાવમાં ચાલીસ ટકા જેટલું ધોવાણ થયાનું જોવા મળે છે. રૂપિયા ૯૪૯ના ભરણાંના ભાવથી એલઆઈસીનો શેર હાલમાં રૂપિયા ૫૬૫ આસપાસ બોલાઈ રહ્યો છે.