ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનશે

0
2

– ઘરેલું માગના આધારે ભારતીય અર્થવ્યવસ્થા ૨૦૨૪માં ૬.૭ ટકાના દરે વૃદ્ધિ કરશે

– અન્ય દક્ષિણ એશિયાઈ દેશો માટે વૃદ્ધિની સંભાવનાઓ પડકારજનક: યુએન

મજબૂત સ્થાનિક માંગના આધારે ભારતીય અર્થવ્યવસ્થા કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં ૬.૭ ટકાના દરે વૃદ્ધિ પામે તેવી ધારણા છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. જો કે ઊંચા વ્યાજ દરો અને નબળી બાહ્ય માંગ આ વર્ષે દેશના રોકાણ અને નિકાસને અસર કરશે તેમ આ રિપોર્ટમાં ઉમેર્યું હતું.

‘ગ્લોબલ ઈકોનોમિક સ્ટેટસ એન્ડ પ્રોસ્પેક્ટ્સ ટુ મિડ-૨૦૨૩’ શીર્ષક હેઠળનો યુએનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત, જે દક્ષિણ એશિયાઈ ક્ષેત્રની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, તે ૨૦૨૩માં ૫.૮ ટકા અને ૨૦૨૪માં ૬.૭ ટકાના દરે (કેલેન્ડર વર્ષના આધારે) આર્થિક વૃદ્ધિ નોંધાવશે. ભારતીય અર્થતંત્રને મજબૂત સ્થાનિક માંગથી ટેકો મળશે. જો કે, ઊંચા વ્યાજ દરો અને નબળી બાહ્ય માંગ ૨૦૨૩માં દેશના રોકાણ અને નિકાસ પર દબાણ ચાલુ રાખશે.

૨૦૨૩માં ભારતમાં મોંઘવારી દર ઘટીને ૫.૫ ટકા પર આવી જશે. વૈશ્વિક કોમોડિટીના ભાવમાં નરમાઈ અને ચલણના અવમૂલ્યનમાં ઘટાડો ‘આયાતી’ ફુગાવાને મધ્યમ કરશે. આ મૂલ્યાંકનમાં ભારતના આર્થિક વિકાસના અંદાજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ આ વર્ષે જાન્યુઆરીમાં બહાર પાડવામાં આવેલા વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ-૨૦૨૩ રિપોર્ટમાં કરવામાં આવેલા અનુમાનોને અનુરૂપ છે.

જાન્યુઆરીમાં બહાર પાડવામાં આવેલા ફ્લેગશિપ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ દર ૨૦૨૩માં ઘટીને ૫.૮ ટકા થવાની ધારણા છે. કારણ કે ઊંચા વ્યાજ દરો અને વૈશ્વિક અર્થતંત્રમાં મંદી દેશના રોકાણ અને નિકાસને અસર કરશે.

ભારતનો આર્થિક વિકાસ ‘મજબૂત’ રહેશે. જોકે, અન્ય દક્ષિણ એશિયાઈ દેશો માટે સંભાવનાઓ ‘વધુ પડકારજનક’ છે. જયારે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે.

ભારત એક મજબૂત સ્થળ છે. ભારત માટેના અંદાજો જાન્યુઆરીથી બદલાયા નથી અને ઘણી સકારાત્મકતા દેખાય છે. આમાં મોંઘવારી પણ સામેલ છે જે નોંધપાત્ર રીતે નીચે આવી છે. 

ભારતનો ફુગાવો લગભગ ૫.૫ ટકા છે જ્યારે દક્ષિણ એશિયા માટે પ્રાદેશિક સરેરાશ ૧૧ ટકા છે.

આનો અર્થ એ થયો કે સ્થાનિક માંગને ટેકો આપવા માટે નાણાકીય વિસ્તરણ અને નાણાકીય નીતિ માટે પૂરતી જગ્યા છે, જો કે, બાહ્ય જોખમો યથાવત છે. જો બાહ્ય નાણાંની સ્થિતિ વધુ બગડે તો ભારતને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે.

રિપોર્ટ અનુસાર, વૈશ્વિક અર્થતંત્ર હવે ૨૦૨૩માં ૨.૩ ટકા (જાન્યુઆરીના અનુમાન કરતાં ૦.૪ ટકા વધુ) અને ૨૦૨૪માં ૨.૫ ટકા (૦.૨ ટકા પોઈન્ટ ઓછું) વૃદ્ધિ પામવાનો અંદાજ છે. યુએસના સંદર્ભમાં, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૨૩માં તેની અર્થવ્યવસ્થાનો વિકાસ દર ઘરોમાં વધુ સારા ખર્ચને કારણે ૧.૧ ટકા સુધી વધી ગયો છે. 

તે જ સમયે, યુરોપિયન અર્થતંત્ર ૦.૯ ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે. આ વર્ષ માટે ચીનની વૃદ્ધિનું અનુમાન ૪.૮ ટકાથી વધારીને ૫.૩ ટકા કરવામાં આવ્યું છે.