નવી દિલ્હી: સરકારે નવા ઘડાયેલા ત્રણ કૃષિ કાયદા મામલે બધા જ મુદ્દે તાર્કિક ઉકેલ લાવવા માટે અંદાજે ૩૫ દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતોના ૪૦ યુનિયનને ચર્ચા કરવા માટે આપેલા આમંત્રણ પ્રમાણે હાજર થયેલા ખેડૂતોના ૪૧ પ્રતિનિધિઓ સાથે કેન્દ્રના ત્રણ પ્રધાને બુધવારે વિગતવાર ચર્ચા કરી હતી અને ખેડૂતોના ચારમાંથી બે મુદ્દા માટે બંને પક્ષે સહમતિ સધાઇ હોવાની માહિતી કેન્દ્રના કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે જણાવી હતી.તોમરે જણાવ્યું હતું કે બુધવારે યોજાયેલી બેઠક દરમિયાન વીજળી અને પ્રદૂષણ ફેલાવતી પરાળ બાળવાના મુદ્દે સરકાર અને ખેડૂતો વચ્ચે સહમતિ સધાઇ હતી.ખેડૂત નેતા રાકેશ ટિકૈતે બેઠક બાદ જણાવ્યું હતું કે પ્રધાનોનો વ્યવહાર સારો રહ્યો હતો અને સરકારે અમારી ચારમાંથી બે વાત માની લીધી છે. સરકારે આંદોલન કરી રહેલા ખેડૂતોને વૃદ્ધો, બાળકો અને મહિલાઓને ઘરે મોકલવાની અપીલ કરી હતી.સરકારે ચર્ચા અગાઉ બુધવારની બેઠકમાં સકારાત્મક ઉકેલ આવવાનો અને ખેડૂતો નવા વર્ષની ઉજવણી પોતાના ઘરે જઇને કરશે, એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.કેન્દ્રના કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, ખાદ્ય અને રેલવે પ્રધાન પીયૂષ ગોયલ અને રાજ્ય કક્ષાના વાણિજ્ય પ્રધાન સોમપ્રકાશે બે કલાક સુધી વિજ્ઞાન ભવનમાં ચર્ચા કર્યા બાદ ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે એમના ‘લંગર’માંથી આવેલું ભોજન સાથે બેસીને ખાધુ હતું.એક વૅનમાં ભોજન લંગરના સ્થળેથી વિજ્ઞાન ભવનમાં લાવવામાં આવ્યું હતું.ખેડૂત નેતાએ જણાવ્યું હતું કે વાતચીત ચાલુ છે અને તેઓ ઍજેન્ડા પ્રમાણે આગળ વધી રહ્યા છે.સપ્ટેમ્બરમાં ઘડવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદા રદ કરવા માટે ખેડૂતો લગભગ ૩૫ દિવસથી દિલ્હીની સરહદે ધરણાં પર બેઠાં છે.
કૃષિ સચિવ સંજય અગરવાલે યુનિયનોને લખેલા પત્રમાં રાજધાની દિલ્હીમાં ૩૦મી ડિસેમ્બરે બપોરે બે વાગ્યે વિજ્ઞાન ભવન ખાતે ચર્ચા કરવા આવવાનું આમંત્રણ આપ્યું હતું.
આ અગાઉ પાંચમી ડિસેમ્બરે બંને પક્ષે થયેલી ચર્ચા વખતે યુનિયને સરકાર પાસે પોતાની ત્રણેય કાયદા રદ કરવાની માગણીનો હા કે નામાં જવાબ માગ્યો હતો.અત્યાર સુધીમાં સરકાર સાથે આ મામલે પાંચ વખત ચર્ચા થઇ છે, પણ કોઇ ઉકેલ આવ્યો નથી.
દરમિયાન, કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે નવા કૃષિ કાયદા વિશે યોજનાબદ્ધ રીતે ખેડૂતોમાં જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું છે. સરકાર આ મડાગાંઠ ઉકેલવા અને ગેરસમજ દૂર કરવા પ્રયત્નશીલ છે. જોકે, મને આશા છે કે ટૂંક સમયમાં ખેડૂતોને સચ્ચાઇ સમજાશે અને આંદોલનનો અંત આવશે.ટૂંક સમયમાં કોઇક માર્ગ જડી આવશે અને એ રીતે ઉકેલ પણ મળી જશે. બધા જાણે છે કે જુઠ્ઠાણું વધુ સમય ટકી શકતું નથી. સત્ય એ સત્ય છે. એક સમય એવો આવશે કે લોકોને સત્ય સમજાશે