
ગુજરાતમાં વિલંબ બાદ આખરે શિયાળો અસલ મિજાજમાં આવવા લાગ્યો છે. નલિયામાં 7.6 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું અને હવે આગામી બે દિવસ કોલ્ડવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં કડકડતી ઠંડી સાથે વરસાદી ઝાપટાની પણ આગાહી કરી છે. અમદાવાદમાં 13.9 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત દિવસ દરમિયાન સૂસવાટાભર્યા પવન ફૂંકાતાં ઠંડી અનુભવાઇ હતી. સોમવારે 27.7 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી ઘટ્યું હતું. આગામી 5 દિવસ અમદાવાદનું લઘુતમ તાપમાન 12થી 14 ડિગ્રી વચ્ચે રહેવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન નિષ્ણાતોને મતે આગામી 10 દિવસ અમદાવાદમાં તાપમાન 12 ડિગ્રીથી નીચે ગગડવાની સંભાવના નહિવત્ છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતુ, પરંતુ હાલમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. આગામી 72 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તોરોમાં કડકડતી ઠંડી પડી શકે છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં લોકેશનને કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે હળવા વરસાદી ઝાપટાં પડશે. જૂનાગઢ સહિત અન્ય દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે તથા લઘુતમ તાપમાન ઘટતાં ઠંડી અનુભવાશે.