અમદાવાદ, તા. ૧
ગુજરાત યુનિવર્સિટીના ગુજરાત યુનિવર્સિટી પ્લેસમેન્ટ સેલ દ્વારા આજે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ૨૮ કંપનીઓએ ભાગ લીધો હતો જેના ભાગરુપે ૨૩૬૦ જેટલી નોકરીઓ માટે યુવાનોને તક આપવા માટે કેમ્પસ ઇન્ટરવ્યુમાં ભાગ લીધો હતો. ગુજરાત યુનિવર્સિટી ખાતે લોકમાન્ય બાળગંગાધર તિલકની પૂણ્યતિથિએ યોજાયેલા રોજગાર મેળાનું ઉદ્ઘાટન કુલપતિ હિમાંશુ પંડ્યાએ કહ્યું હતું. આ પ્રસંગે ઉપકુલપતિ જગદીશ ભાવસાર, પ્લેસમેન્ટ ઓફિસર કિંજલ દેસાઈ, જુદી જુદી કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. યુનિવર્સિટી ખાતે યોજાયેલી રોજગાર મેળામાં ૨૩૬૦ જગ્યાઓ સામે ૧૫૭૬ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. આ નોંધણીમાં ૯૨૭ છોકરાઓ, ૯૪૯ છોકરીઓ, ૪૫ દિવ્યાંગોનો સમાવેશ થાય છે. રાજ્યની ૪૫ યુનિવર્સિટીઓ અને ૩૬૬ જેટલી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ આમા જાડાયા હતા. ૨૦૦થી વધારે વિદ્યાર્થીઓએ વરસતા વરસાદમાં આવીને નોંધણી કરાવીને રોજગાર મેળામાં ભાગ લીધો હતો. રોજગાર મેળાના પ્રારંભે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ જગદીશ ભાવસારે જીયુપીસીને રોજગાર આપનાર અને રોજગાર વાંચ્છુ વચ્ચે સેતુની ભૂમિકા અદા કરવા બદલ અભિનંદન આપી કઠોર પરિશ્રમ થકી ઉન્નતિ પ્રાપ્ત કરવા યુવાનોને શુભેચ્છા પાઠવી હતી. યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ યુનિવર્સિટીના દ્વાર યુવાનો માટે હંમેશા ખુલ્લા છે તેમ જણાવી જીવનમાં સંકલ્પોને સાર્થક કરવા નવીન સંસાધનોના માર્ગે આગળ વધવા અપીલ કરી હતી.