હવે અમદાવાદમાં અતિભારે વરસાદની કરાયેલ આગાહી

0
44

વાસણા બેરેજના દરવાજા ખોલાતા સાબરમતીમાં પાણી વધ્યું : વટામણ-સાબરમતી પુલનો ટ્રાફિકનો રૂટ બદલાયો
અમદાવાદ, તા.૧
હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત અન્ય શહેરોમાં ભારે વરસાદની શકયતા વ્યકત કરવામાં આવી છે. બીજીબાજુ, ઉપરવાસમાં ભારે અને અતિ ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીનું જળસ્તર નોંધનીય રીતે વધ્યું છે અને હજુ વધુ ભયજનક રીતે વધે તેવી પણ શકયતા સેવાઇ રહી છે ત્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે સાબરમતી નદીના કિનારે આવેલા તારાપુરના ૧૨ જેટલા ગામો એલર્ટ પર રાખવામાં આવ્યા છે. બીજીબાજુ, ધરોઇ ડેમમાં ભારે વરસાદના કારણે ૫૦ હજાર કયુસેકથી વધુ પાણીની આવક થઇ રહી છે. સાબરમતી નદીમાં જળસ્તર નોંધનીય હદે વધતાં આખરે વાસણા બેરેજના દરવાજા ગઈકાલથી ખોલી દેવામાં આવ્યા છે અને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે તારાપુરના આસપાસના નીચાણવાળા ગામોને એલર્ટ રાખવામાં આવ્યા છે. લોકોને સરપંચ અને તલાટીના સપંર્કમાં રહેવાનું જણાવવામાં આવ્યું છે. સરકારના સલગ્ન વિભાગોને ઈમરજન્સીની તમામ પરિસ્થિતિમાં પહોંચી વળવા તૈયાર રાખવામાં આવ્યા છે. હાલમાં પરિસ્થિતિ સામાન્ય છે. પરંતુ વરસાદની આગાહીના પગલે તારાપુરના ૧૨ જેટલા ગામોને એલર્ટ રાખવામાં આવ્યા છે. બીજીબાજુ, ભારે વરસાદને કારણે વટામણ-સાબરમતી પુલનો ટ્રાફિકનો રૂટ બદલવામાં આવ્યો છે. વડોદરા તરફથી આવનાર ટ્રાફિકનો રૂટ તારાપુર થઇ માતર- ખેડા -ધોળકા તરફ બદલવામાં આવ્યો છે, જ્યારે ભાવનગર, સૌરાષ્ટ્ર તરફથી આવનાર ટ્રાફિકનો રૂટ વટામણ-ધોળકા-ખેડા-માતર-તારાપુર તરફ બદલવામાં આવ્યો છે. આમ, હવે સાબરમતી નદીમાં પાણી વધવાની શકયતાને જાતાં તંત્ર તમામ રીતે તકેદારી અને એલર્ટ પર છે અને પરિસ્થતિને પહોંચી વળવા આગોતરી તૈયારીઓ કરી રાખી છે.