જમ્મુ-કાશ્મીરના રામબન વિસ્તારમાં એક મોટો રોડ એક્સિડન્ટ થયો છે. અહીં રામબનથી બનિહાલ જઈ રહેલી મિનિબસ ખીણમાં પડી ગઈ છે. આ એક્સિડન્ટમાં 20 લોકોના મોત થયા છે જ્યારે 19 લોકો ઘાયલ થયા છે. 8 ઘાયલોને એરલિફ્ટ કરી જમ્મુ લઈ જવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે યાત્રીઓથી ભરેલી બસ કેલા વળાંક તરફ જઈ રહી હતી. આ દરમિયાન જ બસ અનિયંત્રીત થઈ ગઈ હતી અને ખીણમાં જઈને પડી હતી. એક્સિડન્ટ પછી પોલીસે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. તે વિસ્તારના લોકોની મદદથી ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.
રામબનના ડીજીપી એઝાઝે જણાવ્યું કે, મૃતકોના પરિવારજનોને રૂ. 5 લાખ, જ્યારે ઘાયલોને રૂ. 50-50 હજારની આર્થિક મદદ કરવામાં આવી છે. રેસ્ક્યૂ અભિયાનમાં મહત્વની ભૂમિકા નીભાવનાર રેડ ક્રોસ સોસાયટીની પણ રૂ. 50,000નું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ડોડા-કિશ્તવાડા-રામબન રેન્જના ડીઆઈજી રફીક ઉલ હસને જણાવ્યું કે, ઘટના સમયે ગાડીની સ્પીડ ખૂબ વધારે હોવાની શક્યતા છે. અમે આ કેસની તપાસ કરી રહ્યા છીએ. સૂચના મળતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આઠ ઘાયલોને જમ્મુ એરલિફ્ટ કરવામાં આવ્યા છે.
ઉત્તરાખંડ રોડ એક્સિડન્ટમાં 9ના મોત
ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી ઘામ પાસે એક વાહન શુક્રવારે સાંજે 60 મીટર ઉંડી ખાડીમાં પડી ગયું હતું. આ ઘટનામાં 9 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ છે. આ વાહનમાં 14 તીર્થયાત્રીઓ હતા. દરેક તીર્થયાત્રીઓ મહારાષ્ટ્ર અને ગુજરાતના હતાં.