નવી દિલ્હી: સૉલ્ટ (મીઠા)થી લઈને સૉફ્ટવેઅરના બિઝનેસ સાથે સંકળાયેલા ટાટા ગ્રુપે ઍર ઈન્ડિયાનો હિસ્સો ખરીદવાની હોડમાં ઝુકાવ્યું છે.ઍર ઈન્ડિયાના ૨૦૯ કર્મચારીના જૂથે પણ અમેરિકાની એક ખાનગી કંપની સાથે મળીને ઍર ઈન્ડિયાનો પચાસ ટકા હિસ્સો ખરીદવા માટે બોલી લગાડી છે. જો બધું સમુંસૂથરં પાર પડશે તો કોઈ સરકારી કંપનીને કર્મચારીઓએ ખરીદી લીધી હોય તેવું દેશના કૉર્પોરેટ ઈતિહાસમાં પ્રથમ જ વાર બનશે.આર્થિક નુકસાની અને કટોકટીનો સામનો કરી રહેલી ઍર ઈન્ડિયાનો સરકારી હિસ્સો ખરીદવાની પ્રાથમિક હોડમાં તેમણે ઝુકાવ્યું છે. ઍર ઈન્ડિયાના વ્યૂહાત્મક ડિસઈન્વેસ્ટમેન્ટમાં અનેક લોકોએ રસ દેખાડ્યો છે.ડિપાર્ટમેન્ટ ઑફ ઈન્વેસ્ટમેન્ટ ઍન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (ડીઆઈપીએએમ)ના સેક્રેટરી તૂહિન કાન્તા પાણ્ડેયે ટ્વિટર પરના સંદેશમાં જણાવ્યું હતું કે ટ્રાન્ઝેક્શન હવે બીજા તબક્કામાંપહોંચશે. જોકે, રાષ્ટ્રીય ઍરલાઈન્સને ખરીદવાની હોડમાં ભાગ લેનાર કંપનીઓની ઓળખ તેમણે છતી નહોતી કરી.સૂત્રોના જણાવ્યાનુસાર ટાટા ગ્રુપની ટાટા સન્સે સોમવારે છેલ્લા દિવસે આ હોડમાં ઝુકાવ્યું હતું.જોકે, ટાટા ગ્રુપે એકલાહાથે કે પછી અન્ય ઍરલાઈન્સ સાથે સંયુક્ત રીતે હોડમાં ઝુકાવ્યું છે તે સ્પષ્ટ થઈ શક્યું નહોતું.સિંગાપોર ઍરલાઈન્સ અને ઍરએશિયા ઈન્ડિયા સાથેની ભાગીદારીમાં ટાટા સન્સ ‘વિસ્તારા’નું સંચાલન કરી રહ્યું છે, પરંતુ ઍરએશિયા ઈન્ડિયા મારફતે તેણે ઍર ઈન્ડિયાની ખરીદીમાં રસ દાખવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.અધિકારીએ કહ્યું હતું કે ટ્રાન્ઝેક્શન ઍડવાઈઝર બીડરોને તેમની બીડ પાત્ર ઠરી છે કે નહિ એ અંગે ૬ જાન્યુઆરીએ જાણ કરશે.પાત્ર ઠરેલા બીડરોને ત્યાર બાદ આર્થિક બીડ મોકલવા જણાવવામાં આવશે.સ્પઈસ જૅટના સંજય સિંહની પણ ઍર ઈન્ડિયા પર નજર છે, પરંતુ આ મામલે કોઈપણ પ્રકારનું નિવેદન કરવાનું સ્થાનિક ઍરલાઈન્સે નકારી કાઢ્યું હતું. કોરોના વાઈરસની મહામારીને પગલે ઍર ઈન્ડિયાનું દેવું અને ચુકવણી કરવાની રકમનો આંક અંદાજે રૂ. ૬૯,૦૦૦ કરોડ જેટલો છે.