નવા સપ્તાહમાં નિફટી 19666 ઉપર બંધ થતાં સેન્સેક્સ 66666 જોવાશે

0
14

વિશ્વ ફરી નવા આર્થિક-વૈશ્વિક વેપાર પડકારોથી ઘેરાવા લાગ્યું છે. મેઈક ઈન ઓન કંન્ટ્રી એટલે કે મેઈક ઈન ઈન્ડિયા પર ફોક્સ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન અને એના થકી દેશમાં મોટાપાયે રોજગારીનું સર્જન કરવાના અને આયાત પરની નિર્ભરતા ઘટાડીને બહુમૂલ્ય વિદેશી હૂંડિયામણ બચાવવા સાથે સુરક્ષાના મહત્વના મિશને ચાઈના પરની નિર્ભરતા ઘટાડવા પાછલા પખવાડિયામાં આયાત અંકુશોના પગલાં લેવાયા છે. બીજી તરફ અમેરિકાએ પણ ચાઈનાને વિશ્વ માટે ટિકિંગ ટાઈમ બોમ્બ ગણાવીને ખતરાની ઘંટી વગાડી મહત્વના ટેકનોલોજી ક્ષેત્રોમાં ચાઈનાને પ્રતિબંધિત કરવાનું અને એના માટે રોકાણ અમેરિકાની કંપનીઓ માટે રોકાણ મર્યાદા લાદવાના લીધેલા પગલાં વૈશ્વિક વેપાર સંધિ ભંગાણ આગામી દિવસોમાં વધવાના અને ઘર્ષણો પણ વધવાના એંધાણ મળી રહ્યા છે. આ સાથે ચાઈના ડિફલેશનમાં ફસડાઈ પડયું હોઈ આર્થિક મોરચે સંકટોથી ઘેરાઈ રહ્યું છે. જેને લઈ આગામી દિવસોમાં ફરી જીઓપોલિટીકલ ટેન્શન વધી શકે છે. અમેરિકા ખુદ અત્યારે ઐતિહાસિક આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે. અમેરિકી બેંકિંગ ક્ષેત્ર પર ડાઉનગ્રેડની તલવાર વિંઝાતી રહી છે. આ તમામ પરિબળોને જોતાં વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ આગામી દિવસોમાં વધુ ડહોળાઈ શકે છે. જેથી અણધાર્યા ઉથલપાથલના તોફાન માટે પણ તૈયાર રહેવું રહ્યું. ભારત આ વૈશ્વિક પડકારોથી અત્યાર સુધી ઘણેખરે અંશે અલિપ્ત રહી તેજીની દોટ લગાવતું રહ્યું છે. પરંતુ બદલાતા વૈશ્વિક પ્રવાહોમાં સંભવિત ઉથલપાથલ કે જીઓપોલિટીકલ ટેન્શનના સંજોગોમાં કરેકશન મોટું આવી શકે છે. જેથી ક્વોલિટી શેરો પૂરતું રોકાણ જાળવી બાકી ઉછાળે વેચીને હળવા થતાં રહેવું સલાહભર્યું છે. ગત સપ્તાહના અંતે ફોરેન ફંડોનું શેરોમાં મોટાપાયે ઓફલોડિંગ થયું છે. જ્યારે સ્થાનિક ફંડોની ખરીદી મર્યાદિત બની છે. જેથી સાવચેત રહેવું જરૂરી છે. આગામી સપ્તાહમાં મંગળવારે ૧૫,ઓગસ્ટ ૨૦૨૩ના સ્વતંત્રતા દિવસ નિમિતે શેર બજારો બંધ રહેશે. જેથી ચાર ટ્રેડીંગ દિવસના આગામી સપ્તાહમાં ૧૪,ઓગસ્ટ ૨૦૨૩ના આઈટીસી લિમિટેડના રિઝલ્ટ પર નજર અને ચોમાસાની પ્રગતિ સાથે અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધઘટ અને ક્રુડ ઓઈલના ભાવ પર નજર રહેશે. આ  ઈવેન્ટ્સ,  પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૬૬૦૬૬ ઉપર બંધ થવાના સંજોગોમાં ૬૬૬૬૬ અને નિફટી સ્પોટ ૧૯૬૬૬ ઉપર બંધ થવાના સંજોગોમાં ૧૯૮૬૬ જોવાઈ શકે છે.

અર્જુનની આંખે:  HDFC BANK LTD..

 બીએસઈ(૫૦૦૧૮૦), એનએસઈ(HDFCBANK)  લિસ્ટેડ, રૂ.૧ પેઈડ-અપ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ખાનગી ક્ષેત્રમાં બેંક સ્થાપવા મંજૂરી મેળવનાર ભારતમાં પ્રથમ નાણા સંસ્થાઓમાં એક હાઉસીંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ એટલે કે એચડીએફસી લિમિટેડ દ્વારા ઓગસ્ટ ૧૯૯૪માં શરૂ થયેલી એચડીએફસી બેંક લિમિટેડ હવે એચડીએફસી લિમિટેડને પોતાની સાથે મર્જ કરી વૈશ્વિક બેંકિંગ જાયન્ટ બની છે. ૩૦, જૂન ૨૦૨૩ મુજબ એચડીએફસી બેંક ૭૮૬૦ બ્રાન્ચ અને ૨૦,૩૫૨ એટીએમ/કેશ રીસાઈકલર મશીનનું ૩૮૨૫ શહેરો-ગામોમાં  ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવતી બેંક બની છે. બેંકના નેટવર્કમાં એચડીએફસી લિમિટેડના ૭૩૭ આઉટલેટ્સના ૨૧૪ એચડીેફસી સેલ્સ પ્રાઈવેટ લિમિટેડના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનો પણ સમાવેશ થયો છે. એચડીએફસી બેંક ચાર દેશોમાં પોતાની બ્રાન્ચો અને ત્રણ પ્રતિનિધિ ઓફિસો દુબઈ, લંડન અને સિંગાપુરમાં ધરાવતી અને હોમ લોન પ્રોડક્ટસ થી નોન-રેસીડેન્ટ ઈન્ડિયન્સને ઓફર કરતી બેંક બની છે. એચડીએફસી બેંક સાથે એચડીએફસી લિમિટેડનું સફળતાપૂર્વક મર્જર થતાં એચડીએફસી બેંકનો ધિરાણમાં બજાર હિસ્સો મર્જર બાદ ૧૧ ટકાથી વધીને ૧૫ ટકા અને થાપણોમાં ૧૦.૪ ટકાથી વધીને ૧૧ ટકા થયો છે. બેંકના કર્મચારીઓની સંખ્યા પણ જૂન ૨૦૨૨ના અંતના ૧,૫૨,૫૧૧ થી વધીને જૂન ૨૦૨૩ના અંતે ૧,૮૧,૭૨૫ થઈ છે. 

જૂન ૨૦૨૩ મુજબ બેંકના ગ્રાહકોની સંખ્યા ૮.૫ કરોડથી વધુ થવા સાથે મર્જર બાદ બિઝનેસ વોલ્યુમ ૧૮ ટકા વધીને રૂ,૩૫,૪૩,૦૪૯ કરોડ થયું છે. જે ધિરાણો ૧૬ ટકા વૃદ્વિએ રૂ.૧૬,૨૯,૯૫૩ કરોડ અને થાપણો ૧૯ ટકા વૃદ્વિએ રૂ.૧૯,૧૩,૦૯૬ કરોડ થવા સાથે નોંધાયું છે. 

બેંકના ધિરાણોમાં વૃદ્વિ રીટેલ લોનોમાં ૧૮ ટકા વૃદ્વિએ રૂ.૬,૫૭,૮૦૦ કરોડ અને કૃષિ ધિરાણ ૨૯ ટકા વૃદ્વિએ રૂ.૭૯,૬૩૭ કરોડ તેમ જ એમએસએમઈ ધિરાણ ૨૯ ટકા વૃદ્વિએ રૂ.૫,૬૩,૧૯૧ કરોડ થવા સાથે નોંધાયું છે. કોર્પોરેટ ધિરાણ નજીવી ૧૧ ટકા વૃદ્વિએ રૂ.૪,૦૪,૬૩૭ કરોડ અને ઓવરસીઝ ધિરાણ ૧૪ ટકાવધીને રૂ.૪૨,૩૭૯ કરોડ થયું છે. મર્જર બાદ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪માં બેંકના ધિરાણમાં વૃદ્વિ વેગ પકડવાની અપેક્ષા છે. જૂન ૨૦૨૩ના અંતે મર્જર બાદની બેંકની લોન બુક ૧૩ ટકા વૃદ્વિએ રૂ.૨૨,૪૫,૧૦૦ કરોડ થઈ છે. ંમજબૂત માંગ થકી નાણા વર્ષ ૨૦૨૪માં લોનમાં ૧૭ થી ૧૮ ટકા વૃદ્વિ હાંસલ કરવા સક્ષમ છે.

એચડીએફસી બેંક ભારતમાં સૌથી વધુ ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કરનાર બેંક છે. જે નાણા વર્ષ ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિકમાં ૧૫ લાખ નવા ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કરીને જૂન ૨૦૨૩ના અંતે ૧.૮૪ કરોડ કાર્ડ બેઝ ધરાવતી બેંક બની છે. બેંકની થાપણોમાં પણ જૂન ૨૦૨૩ના અંતે ૧૯ ટકા મજબૂત વૃદ્વિ સાથે રૂ.૧૯,૧૩,૦૯૬ કરોડ થઈ છે. જેમાં કાસા થાપણો ૧૧ ટકા વધીને રૂ.૮,૧૨,૯૫૪ કરોડ થઈ છે. જેમાં રીટેલ થાપણોનો હિસ્સો ૮૨ ટકાથી વધીને ૮૩.૫ ટકા થયો છે. જૂન ૨૦૨૩ના અંતે રીટેલ થાપણોમાં ૨૧.૫ ટકાની વૃદ્વિ થઈ છે. જ્યારે હોલસેલ થાપણોમાં ૧૬.૫ ટકાની વૃદ્વિ હાંસલ કરી છે. આ સાથે જૂન ૨૦૨૩ના અંતે મર્જર બાદની બેંકની થાપણો ૧૬ ટકા વધીને રૂ.૨૦,૬૫,૧૦૦ કરોડ થઈ છે.

સબસીડિયરીઓની કામગીરીમાં બેંકની ૯૫.૬ ટકા હોલ્ડિંગની સબસીડિયરી એચડીએફસી સિક્યુરિટીઝ રીટેલ બ્રોકિંગમાં ભારતમાં અગ્રણી રહી ૩૦, જૂન ૨૦૨૩ના અંતે કુલ આવક રૂ.૪૩૨ કરોડથી વધીને રૂ.૪૯૭ કરોડ નોંધાવી ચોખ્ખો નફો રૂ.૧૮૯ કરોડ કર્યો છે. આ સિવાય ૯૪.૮ ટકા હોલ્ડિંગની સબસીડિયરી એચડીએફસી ફાઈનાન્શિયલ સર્વિસિઝ એનબીએફસી છે. જેણે ૩૦, જૂન ૨૦૨૩નના અંતે ચોખ્ખી આવક રૂ.૨૧૯૪ કરોડથી વધીને રૂ.૨૩૧૪ કરોડ અને ચોખ્ખો નફો રૂ.૪૪૧ કરોડથી વધીને રૂ.૫૬૭ કરોડ નોંધાવ્યો છે.

બુક વેલ્યુ:  માર્ચ ૨૦૨૩ના રૂ.૪૯૩, અપેક્ષિત માર્ચ ૨૦૨૪ના રૂ.૬૧૧

સ્ટેન્ડએલોન મર્જર પૂર્વેના નાણાકીય પરિણામો:

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩:ચોખ્ખી આવક રૂ.૧,૧૦,૫૧૯  કરોડની તુલનાએ વધીને રૂ.૧,૧૮,૦૫૭  કરોડ મેળવી ચોખ્ખો નફો રૂ.૩૬,૯૬૧ કરોડની તુલનાએ વધીને રૂ.૪૪,૧૦૯  કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૬૬.૧ થી વધીને રૂ.૭૮.૯ હાંસલ કરી હતી.

(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૩ થી જૂન ૨૦૨૩:ચોખ્ખી આવક રૂ.૨૫,૮૬૯ કરોડની તુલનાએ વધીને રૂ.૩૨,૮૨૯  કરોડ મેળવીને  ચોખ્ખો નફો રૂ.૯૧૯૫ કરોડની તુલનાએ વધીને રૂ.૧૧,૯૫૧  કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૧.૩૭ હાંસલ કરી છે.

(૩) મર્જર બાદ અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪:અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧,૬૬,૧૪૫ કરોડ મેળવી અપેક્ષિત  ચોખ્ખો નફો રૂ.૬૬,૭૪૭ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૮૮.૫ અપેક્ષિત છે.

આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૧) એચડીએફસી લિમિટેડ અને એચડીએફસી બેંક મર્જર બાદ વૈશ્વિક જાયન્ટ બનેલી એચડીએફસી બેંક (૨) જૂન ૨૦૨૩ના અંતે મર્જર બાદની ૭૮૬૦ બ્રાન્ચ, ૨૦,૩૫૨ એટીએમનું જંગી નેટવર્ક ધરાવતી અને ધિરાણો રૂ.૧૬,૨૯,૯૫૩ કરોડ  અને થાપણો રૂ.૧૯,૧૩,૦૯૬ કરોડ થકી બિઝનેસ વોલ્યુમ રૂ.૩૫,૪૩,૦૪૯ કરોડ ધરાવતી (૩) નાણા વર્ષ ૨૦૨૩માં ૧૪૭૯ શાખાઓ અને ૩૧,૦૦૦ કર્મચારીઓના ઉમેરા કરી ઝડપી વિસ્તરણ કરનાર (૪) અપેક્ષિત પૂર્ણ નાણા વર્ષ ૨૦૨૩-૨૪માં અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૮૮.૫ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૬૧૧ સામે શેર ૧૧, ઓગસ્ટ ૨૦૨૩ના એનએસઈ(રૂ.૧૬૨૧), બીએસઈ પર રૂ.૧૬૧૯ ભાવે ૧૮.૨૦ના પી/ઈએ ઉપલબ્ધ છે.