તાજેતરમાં મુખ્યમંત્રીએ બિલ્ડર્સ એસોસિએશન સાથે નવા જંત્રી દર મામલે ચર્ચા કરી હતી, જેમાં તેમણે આશ્વાસન આપ્યું હતું કે, આ મામલે સમય પ્રમાણે સરકાર નિર્ણય કરશે. પરંતુ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જંત્રીના દરનું નોટિફિકેશન આવ્યા પહેલા તમામ ડોક્યુમેન્ટ જુના દર પ્રમાણે રહેશે અને ત્યારબાદ સ્ટેમ્પ કરવામાં આવ્યા હશે તે નવા દર પ્રમાણે રહેશે. 4 ફેબ્રુઆરી પહેલા જે લોકો સ્ટેમ્પ પેપર જમા કરાવ્યા હશે તેમને જુના દર પ્રમાણે જંત્રી કરવાનું રહેશે અને 4 તારીખ બાદ સ્ટેમ્પ દસ્તાવેજો મુક્યાં હશે તો નવા જંત્રી પ્રમાણે દર ચૂકવાનો રહેશે. ત્યારે હવે આજે ફરીવાર સુપરિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ સાથે બિલ્ડર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ મુલાકાત કરશે.
ચર્ચાનો રીપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવશે
ગાંધીનગરમાં બિલ્ડર્સ એસોસિએશનના પ્રતિનિધિઓને તેમની માંગ લેખીતમાં સાથે લઈને આવવા બોલાવવામાં આવ્યાં છે. તેમની સાથે સુપરિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ મુલાકા કરશે. ગાંધીનગરમાં બપોરે 12 વાગ્યે આ બેઠક યોજાશે. જેમાં થયેલી ચર્ચાનો રીપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવશે. રાજ્ય સરકાર સાથે બિલ્ડર્સ એસોસિએશનની બે વખત મુલાકાત થઈ ચૂકી છે અને આ ત્રીજી વખત મુલાકાત થવાની છે. ત્યારે નવી જંત્રીને લઈને વધી રહેલા વિવાદ વચ્ચે શું નિરાકરણ આવે છે એ તો સમય જ બતાવશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ તો સીધું જ કહી દીધું હતું કે, જંત્રીના દરનું નોટિફિકેશન આવ્યા પહેલા તમામ ડોક્યુમેન્ટ જુના દર પ્રમાણે રહેશે અને ત્યારબાદ સ્ટેમ્પ કરવામાં આવ્યા હશે તે નવા દર પ્રમાણે રહેશે.
જમીનના ભાવ શું ચાલી રહ્યા છે તે નક્કી કરાશે
કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, સરકાર દ્વારા નવી જંત્રીનો અમલ કરતાં પહેલા તેના દર સુધારવા માટે સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્સ દ્વારા કવાયત શરૂ કરાઇ હતી. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરોને જિલ્લાના સ્ટોક હોલ્ડર્સ અને અધિકારીઓ સાથે મિટિંગ યોજીને તેમના સૂચનો અને રજૂઆત મેળવવા જણાવાયું હતું. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કલેક્ટરના અભિપ્રાય સાથે તેને વિભાગમાં મોકલી આપવા માટે પણ સૂચના અપાઈ હતી. ત્યાર બાદ સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્ર વિવિધ વિસ્તારમાં જમીનના ભાવ શું ચાલી રહ્યા છે તે નક્કી કરશે.
બિલ્ડરોએ કહ્યું જમીનની જંત્રી અને બાંધકામની જંત્રી અલગ રાખો
મુખ્યમંત્રી સાથેની બેઠકમાં અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશને નવા જંત્રી સામેના વાંધાઓ અને કેટલાક સૂચનો આપ્યા હતા. અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશને કરેલી રજૂઆતમાં તેમની સોથી મોટી માગ હતી કે, જે જંત્રી વધારવામા આવી છે તેને 1 મેથી લાગૂ કરવામાં આવે. આ ઉપરાંત જંત્રીમાં 100 ટકાના વધારાના બદલે 50 ટકાનો જ વધારો કરાય તેવી પણ રજૂઆત કરી. બિલ્ડર્સ એસોસિએશનની એવી પણ માગ છે કે જમીનની જંત્રી અને બાંધકામની જંત્રી અલગ અલગ રખાય. જમીનની જંત્રીમાં 50 ટકાનો વધારો અને બાંધકામની જંત્રીમાં 20 ટકાનો જ વધારો કરવો જોઈએ.
FSI માટે ભરવાની જંત્રી 20 ટકા કરવી જોઈએ
અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશને કરેલી રજૂઆતમાં એવી પણ માંગ છે કે, FSI માટે ભરવાની જંત્રી જે 40 ટકા છે તેને માત્ર 20 ટકા કરાય. બિલ્ડર્સ એસોસિએશને એવુ પણ સૂચન કર્યુ છે કે 45 લાખથી ઓછાના મકાનો જે અફોર્ડેબલ હાઉસિંગમાં આવે છે તેમાં 22 લાખથી 45 લાખની વચ્ચેની કિંમતના દસ્તાવેજોમાં જંત્રી ડબલ થઇ જશે. જ્યારે 22 લાખથી ઓછાના મકાનોમાં જ રાહત મળશે. એટલે સરકાર 22 થી 45 લાખ સુધીના અફોર્ડેબલ હાઉસિંગ માટે પણ યોગ્ય નિર્ણય લે.