બેફામ સ્પીડે જતા પિકઅપ વાનના ચાલકે કાબુ ગુમાવતા ડિવાઈડર કુદાવી સામેના રોડ ઉપર લોકોને અડફેટે લીધાં
અમદાવાદ, તા.૨૧
શહેરના ગોતા ઓગણજ રોડ પર બેફામ બનેલા પિકઅપ વાનના ચાલકે ત્રણ વ્યક્તિને અડફેટે લેતા બે વ્યક્તિના કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માત એટલો ગંભીર અને ગમખ્વાર હતો કે, પિકઅપ વાને ડિવાઈડર કુદાવી સામેના રોડ પર આવી પલટી મારી ગઈ હતી જેમાં આ ત્રણ વ્યક્તિ અને વાહનો પણ અડફેટે આવી ગયા હતા. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, છારોડી પાસે રહેતા વિરસિંગભાઈ ધાખડ તેમના સંબંધી કલ્યાણસિંહ ધાનુક અને રાજેન્દ્ર કુશવાહ અલગ અલગ જગ્યાએ કલર કામ કરે છે. ગઇકાલે સવારે ૮-૧૫ વાગ્યે ગોતા-ઓગણજ રોડ પર કાશી શંકરા સ્કૂલ પાસે તેઓ ઉભા હતા ત્યારે બેફામ સ્પીડે ગોતાબ્રિજ તરફથી એક પિકઅપ વાન આવી હતી. ચાલકે ગાડી પર કાબુ ગુમાવતા ગાડી ડિવાઈડર કુદાવી આ ત્રણેયને અડફેટે લીધા હતા. ત્રણેયને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કલ્યાણસિંહ અને રાજેન્દ્રનું મોત નીપજ્યું હતું. જા કે, આટલો ગંભીર અને ગમખ્વાર અકસ્માત સર્જયા બાદ પિકઅપ વાન ચાલક નાસી ગયો હતો. આસપાસના વાહનને પણ નુકસાન થયુ હતું. પોલીસે આરોપી પિકઅપ વાન ચાલકની શોધખોળ આદરી જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જા કે, આ અક્સ્માતના બનાવ અને તેમાં બે વ્યકિતના કરૂણ મોતને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.