વ્યંઢળ સાથે લીવ ઇનમાં રહેતા બુટલેગરે ખંડણીની કરેલ માંગ

0
23

બુટલગેર સંજય વ્યાસ સામે નારાજ ૨૫થી વધારે વ્યંઢળો એક થઇને દિલ્હી ચકલાની પાસે ભૂખ હડતાળ પર ઉતર્યા

અમદાવાદ, તા.૨૧
અમદાવાદ શહેરના ઉસ્માનપુરા પાસે વ્યંઢળ સાથે લીવ ઇનમાં રહેતો એક શખ્સ હત્યા કર્યા બાદ જેલમાં ગયો હતો. જેલમાંથી પેરોલ મેળવીને બહાર આવ્યા બાદ શખ્સે વ્યંઢળો પાસેથી ધમકી આપીને ખંડણી ઉઘરાવવાનું ચાલું કરતા વ્યંઢળો આજે આ માથા ભારે શખ્સ સામે ભૂખ હડતાલ પર ઉતર્યા છે. પોસ્ટર બેનર લગાવીને આ વ્યંઢળો દિલ્હી ચકલા પાસે હડતાળ પર ઉતરતા લોકો તેમને જોવા રસ્તા પર રોકાઇ ગયા હતા. વ્યંઢળોની આ પ્રકારે ન્યાય માટેની હડતાળને જાઇ લોકો પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. આ સંદર્ભે આરોપી સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વ્યંઢળોએ જાણ પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ વાડજ વિસ્તારમાં હત્યા કરનાર આરોપી સંજય વ્યાસ નામનો શખ્સ તાજેતરમાં પેરોલ પર બહાર આવ્યો છે. આ શખ્સ અગાઉ ઉસ્માનપુરા પાસે આવેલી ચાંપાનેર સોસાયટી નજીક કામીની દે નામના વ્યંઢળ સાથે લીવ ઇનમાં રહેતો હોવાનો આક્ષેપ હડતાલ પર ઉતરેલા વ્યંઢળોએ કર્યો છે. સંજય વ્યાસ જ્યારે પણ જેલની બહાર આવે ત્યારે તે વ્યંઢળોને ધમકી આપીને તેમની પાસે રૂપિયા પડાવે છે. સંજય વ્યાસ સામે આજે ૨૫ થી વધુ વ્યંઢળો એક થઇને દિલ્હી ચકલા પાસે ભૂખ હડતાળ પર ઉતર્યા છે. વ્યંઢળોએ આક્ષેપ કર્યો છે કે, તે અમારી પાસે કોર્ટ ખર્ચના રૂપિયા માંગે છે, અને અમને ધમકી આપે છે.આ સંદર્ભે એક વ્યંઢળે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે. સંજય વ્યાસે વ્યંઢળોને રૂપિયા ન આપે તો તેઓને શહેરમાં ક્યાંય ભિક્ષાવૃત્તિ કરવા નહી દે તેવી ધમકી આપી છે. આ સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી આરોપી બુટલેગર વિરૂધ્ધ કરવામાં આવે તેવી માંગ પણ વ્યંઢળો દ્વારા કરવામાં આવી હતી.