– ડિવિડન્ડ પર ધનિકોનો ટેક્સ બચાવવા કાયદાની આંટીઘૂંટી ઘડાઈ
– મની લોન્ડરિંગની તપાસમાં સોસિયેટે જનરલે, બીએનપી પારીબા, એક્સાને, નેટિક્સિસ, એચએસબીસીની સંડોવણી
– તપાસકારોએ જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને જુબાની આપવા ત્રણ વખત બોલાવ્યા
પેરિસ : ફ્રેન્ચ અને જર્મન પ્રોસેક્યુટર્સ તથા તપાસ અધિકારોએ ફ્રાન્સની રાજધાની પેરીસ અને આજુબાજુના વિસ્તારોમાં મંગળવારે દરોડા પાડયા હતા. તેમણે દરોડામાં સંભવત: ૧૦૦ અબજ ફ્રાન્ક (૧૦૮ અબજ ડોલર)થી વધુની ટેક્સ ચોરી પકડાઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે.
નાણાકીય તપાસકારોએ જણાવ્યું હતું કે આ દરોડા મુખ્યત્વે ડિવિડન્ડની ચોરી ખુલ્લી પાડવા પડાયા હતા. ફ્રાન્સની નાણાકીય પ્રોસેક્યુટર ઓફિસ (પીએનએફ)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મંગળવારે સવારે ૯.૩૦ વાગ્યે દરોડા હાથ ધરાયા હતા અને તેહજુ પણ ચાલુ જ છે. મની લોન્ડરિંગ અને નાણાકીય છેતરપિંડીની આશંકાએ મુખ્યત્વે ચાર બેન્કો અને એક આંતરરાષ્ટ્રીય બેન્ક પર આ દરોડા પાડવામાં આવ્યા હતા. આ બેન્કોમાં સોસિયેટે જનરલે, બીએનપી પારીબા, એક્સાને, નેટિક્સિસ અને એચએસબીસીનો સમાવેશ થાય છે. પીએનએફના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, અતિ ધનિકોએ ડિવિડન્ડ પર ટેક્સ ના ચૂકવવો પડે તે માટે બેન્કોએ એકદમ જટીલ કાયદાકીય માળખા બનાવ્યા હતા. હવે તપાસકારોએ આ કાયદાકીય શંકાસ્પદ પદ્ધતિઓને શોધી કાઢવા નાણાકીય સંસ્થાઓ પર દરોડા પાડયા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, બેન્કો, સ્ટોક ટ્રેડર્સ અને વકીલોએ ધનિકોને મળતા ડિવિડન્ડ્સનું એવી રીતે વિભાજન કર્યું હતું કે તેનાથી ધનિકો જર્મનીમાં ૩૬.૨ અબજ ડોલર અને ફ્રાન્સમાં ૧૭ અબજ ડોલર સહિત યુરોપમાં કુલ અંદાજે ૬૨.૯ અબજ ડોલરની ટેક્સ ચોરી કરવામાં સફળ રહ્યા હતા. આ કૌભાંડ જર્મન સરકારમાં એટલા ઊંચા સ્તરે ફેલાયેલું હતું કે ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને વોરબર્ગ બેન્ક સાથે તેમના સંબંધો અને તેની કાર્યપદ્ધતિ અંગે તેઓ શું જાણે છે તેની જુબાની આપવા ત્રણ વખત બોલાવાયા હતા.
ઓથોરિટીએ જણાવ્યું હતું કે, સોસિયેટે જનરલે, બીએનપી પારીબા, બીએનપી પારીબાની પેટા કંપની એક્સાને, નેટિક્સિસ અને બ્રિટિશ બેન્કિંગ કંપની એચએસબીસી ટેક્સ છેતરપિંડીમાં સંડોવાયેલી હોવાનું મનાય છે. પેરિસમાં મંગળવારે પાડવામાં આવેલા દરોડાને પીએનએફ તપાસકારોએ ડિસેમ્બર ૨૦૨૧માં શરૂ કરેલી તપાસ સાથે સાંકળવામાં આવે છે.