ખરાબ હવામાનના કારણે પ્લેન લેન્ડિંગ કરી રહ્યું હતું
સ્વાસ્થય મંત્રીએ ટ્વીટ કરીને ઘટનાની માહિતી આપી
પોલેન્ડના વોર્સો પાસે એક નાનું પ્લેન એરફિલ્ડ હેંગરમાં અથડાતાં પાંચ લોકોનાં મોત અને અન્ય 7 લોકો ઘાયલ થયાંના સમાચાર મળી રહ્યા છે. પોલેન્ડની સ્ટેટ ફાયર સર્વિસના ચીફ કમાન્ડન્ટ એન્ડ્રેજ બાર્ટકોવિયાકે સોશિયલ મીડિયા પર જાનહાનિની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ગઈકાલે મોડી રાત્રે ક્રેસિનો શહેરમાં લોકો જ્યાં આશ્રય લઈ રહ્યા હતા ત્યાં વિમાન હેંગરમાં અથડાયું હતું. તેણે વધુમાં જણાવતા કહ્યું કે પ્લેન ખરાબ હવામાનમાં લેન્ડિંગ કરી રહ્યું હતું, જેના કારણે ક્રેશ થયુ હોવાનું મનાઈ રહ્યું છે.
વિમાનમાં ત્રણ પાઇલોટ હતા
સ્ટેટ ફાયર સર્વિસના મોનિકા નોવાકોવસ્કા-બ્રાયન્ડાએ જણાવ્યું હતું કે વિમાનમાં ત્રણ પાઇલોટ હતા, જેમાંથી એકનું મૃત્યુ થયું હતું, એક ઘાયલ થયો છે જ્યારે ત્રીજો પાઈલટ બચી ગયો છે. તેમણે વધુમાં કહ્યું કે અન્ય મૃત્યુમાં આશ્રય શોધનારાઓનો સમાવેશ થાય છે જેમની ઓળખ હજુ સુધી મળી નથી. આ સિવાય પોલેન્ડના સ્વાસ્થ્ય મંત્રી એડમ નિડઝિલસ્કીએ ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયા છે અને પાંચના મોત થયા છે.
ચાર હેલિકોપ્ટર અને 10 એમ્બ્યુલન્સને ક્રેશ સાઇટ પર મોકલવામાં આવી
એડમ નીડઝિલ્સ્કીએ જણાવ્યું હતું કે વોર્સોથી 47 કિમી દૂર ચિરસિન્નો ગામમાં ચાર હેલિકોપ્ટર અને 10 એમ્બ્યુલન્સને ક્રેશ સાઇટ પર મોકલવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક ફાયર વિભાગે જણાવ્યું હતું કે આ ઘટના ક્રેસિનોના એરસ્પેસમાં બની હતી. અકસ્માત સાથે જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં એરક્રાફ્ટનો પાછળનો ભાગ હેંગરમાંથી બહાર જોવા મળી રહ્યો છે.