નારણપુરા વોર્ડમાં જૈન સમાજનો ભાજપ સામે વિરોધ : કોંગ્રેસ ગેલમાં
આઝાદી પછીના ઇતિહાસમાં નારણપુરા વોર્ડમાં સૌપ્રથમવાર સોની સમાજના ઉમેદવાર સિધ્ધાર્થભાઇ સોનીને ટિકિટ મળતાં સ્થાનિકોમાં ભારે ઉત્સાહ :, કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ડીજેના તાલ સાથે બાઇક રેલી કઢાઇ :, પ્રચાર પડઘમ શાંત થતાં હવે સોશ્યલ મીડિયા અને મોબાઇલ દ્વારા છેલ્લી ઘડીનો પ્રચાર પ્રસાર ચરમસીમાએ
અમદાવાદ, તા.૧૯
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને અમદાવાદ શહેરમાં પણ ચૂંટણીનો ગરમાવો જાણે કે જોરદાર ચરમસીમાએ પહોંચ્યો છે ખાસ કરીને નારણપુરા વોર્ડમાં તો કોંગ્રેસે ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને રીઝવવાના છેલ્લી ઘડીના પ્રયાસો હાથ ધર્યા છે એવા ટાણે ઉમેદવારોનો ઉત્સાહ વધારવા મારે પ્રચાર કાર્ય અને પરિણામલક્ષી બનાવવા માટે ખુદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓએ નારણપુરા વોર્ડના કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લઇ કોંગ્રેસના આ વોર્ડના ઉમેદવારો સિદ્ધાર્થભાઈ સોની, વર્ષાબેન મેઘા વાલા અને પ્રવીણભાઈ પટેલ ને રૂબરૂ મળી તેમને ચૂંટણીલક્ષી રણનીતિ અને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા. જો કે, નારણપુરા વોર્ડમાં કોંગી તરફથી માહોલ અને વાતાવરણ બનતુ જોઇ ખુદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ખુશીની લાગણી વ્યકત કરી તેમના ત્રણેય ઉમેદવારોને જીત માટે શુભેચ્છા પાઠવી હતી. બીજી બાજુ નારણપુરા વોર્ડમાં સૌપ્રથમવાર આઝાદી પછીના ઇતિહાસમાં સોની સમાજના ઉમેદવાર સિદ્ધાર્થભાઈ સોનીને ટિકીટ મળતાં સ્થાનિક મતદારોમાં અને ખાસ કરીને સોની સમાજમાં ભારે ઉત્સાહની લાગણી ફેલાઇ છે. કોંગ્રેસ આ વોર્ડમાં ડોર ટુ ડોર પ્રચારમાં સ્થાનિક મતદારોને પાણી, રસ્તા, ગટર, બસ સેવા ઉપરાંત ડ્રેનેજ કે વરસાદી પાણીના નિકાલ સહિતની અનેક સમસ્યાઓના નિરાકરણની બાહેધરી આપીને મતદારોને આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવાની અને તેમને શાસન કરવાની એક તક આપવા અપીલ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે બીજી બાજુ લોકોમાં ભાજપે વિકાસના નામે જે ઠાલા વચનો આપી પ્રજાને ગેરમાર્ગે દોરી છે ત્યારે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ કંઈ નવાજૂની કરી બતાવે તો નવાઈ નહીં.
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોની પ્રતિષ્ઠાભરી ચૂંટણી તા.૨૧મી ફેબ્રઆરીએ યોજાનાર છે અને તેનું પરિણામ તા.૨૩મી ફેબ્રુઆરીએ જાહેર થનાર છે ત્યારે ચૂંટણી આચારસંહિતા મુજબ આજે સાંજે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઇ ગયા હતા. શહેરના નારણપુરા વોર્ડની વાત કરીએ તો, સોની સમાજના મતદારોની સંખ્યા ચારથી પાંચ હજાર હોઇ તેની પણ આ વખતે કોંગ્રેસ મોવડીમંડળે મહત્વની નોંધ લઇ સોની સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે, જે વર્ષો પછી આવી ઘટના બનતાં સોની સમાજમાં ભારે ઉત્સાહની લાગણી ફેલાઇ હતી. બીજીબાજુ, આ વોર્ડમાં જૈન સમાજના પણ મતો બહુ મહત્વના હોઇ કોંગ્રેસ આ વખતે જૈન સમાજના ભાજપના ખાતામાં પડતા વોટોને તોડવાની ફિરાકમાં છે અને તેવા આશયથી જ આ વખતે કોંગ્રેસના ત્રણેય ઉમેદવારો સિદ્ધાર્થભાઇ સોની, વર્ષાબહેન મેઘાવાલા અને પ્રવીણભાઇ પટેલે જૈન સમાજના મતો પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બીજીબાજુ, ભાજપથી આ વખતે જૈન સમાજ નારાજ હોઇ જૈન સમાજ દ્વારા ભાજપનો ખુલ્લો વિરોધ કરી બળવો પોકારાયો છે ત્યારે કોંગ્રેસ આ તકને જવા દેવા માંગતુ નથી અને તેથી જ જૈન સમાજના નિર્ણાયક મતો કોંગ્રેસની ઝોળીમાં આવે તેવા આકરા પ્રયાસો આદર્યા છે. ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઇ જતાં કોંગ્રેસના ઉમેદવારો છેલ્લી ઘડીના કલાકોમાં હવે સોશ્યલ મીડિયા, મોબાઇલ અને ગ્રુપ મીટીંગો કરી મરણિયો જંગ ખેલાય તેવા પ્રચારમાં લાગી ગયા છે. જૈન સમાજના વિરોધ અને નારણપુરા વોર્ડની પ્રજાની સમસ્યાઓને લઇ આ વખતે ભાજપ વિરોધી વાતાવરણ જોતાં કોંગ્રેસને ફાયદો થાય અને તેના ઉપરોકત ત્રણેય ઉમેદવારોમાં ભારે ઉત્સાહ અને જીતની લાગણી બંધાય તે હેતુથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહ પરમાર સહિતના નેતાઓએ નારણપુરા વોર્ડ કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લીધી હતી અને ત્રણેય ઉમેદવારોને પ્રોત્સાહન આપી પ્રજાને વિશ્વાસમાં લઇ કોંગ્રેસ તરફથી વાતાવરણ અને માહોલ ઉભો કરી મતદાનના દિવસે સ્થાનિક મતદારોના મત કોંગ્રેસની ઝોળીમાં પડે તેવું બુથ મેનેજમેન્ટ અને ચૂંટણીની રણનીતિ અમલી બનાવવા માર્ગદર્શન અને નિર્દેશો આપ્યા હતા. આ પ્રસંગે આ વખતે નારણપુરા વોર્ડનું કોંગ્રેસનું મીડિયા મેનેજમેન્ટની કામગીરી સંભાળનાર અને પ્રચારકાર્યમાં બહુ ઉપયોગી યોગદાન આપનાર મૌલિકભાઇ શાહની ખુદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભારોભાર પ્રશંસા કરી હતી અને તેમના પરત્વે આભારની લાગણી વ્યકત કરી હતી. દરમ્યાન આજે સવારે કોંગ્રેસના ત્રણેય ઉમેદવારો સિધ્ધાર્થભાઇ સોની, વર્ષાબહેન મેઘાવાલા અને પ્રવીણભાઇ પટેલે સેંકડો કોંગી કાર્યકરોની ડીજેના તાલ સાથે બાઇક રેલી કાઢી હતી અને મતદારોને આકર્ષવાના છેલ્લા પ્રચાર પ્રયાસો હાથ ધર્યા હતા.
જો કે, આ વોર્ડમાં આ વખતે કોંગ્રેસને સારું એવું સમર્થન મળી રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે, જયારે કોંગ્રેસના ઉપરોકત ત્રણેય ઉમેદવારો નારણપુરા વોર્ડમાં વિવિધ વિસ્તારોમાં અને સોસાયટી-એપાર્ટમેન્ટ્સમાં પ્રચાર અર્થે ગયા ત્યારે સ્થાનિક જનતા ભાજપના નામના બળાપા ઠાલવી ભારે રોષ વ્યકત કરતી હતી. આમ, ભાજપ માટે આ વખતે નારણપુરા વોર્ડમાં તેની લગામ કસેલી રાખવી પડશે અને નહી તો, કોંગ્રેસ દ્વારા અણધાર્યુ અને આંચકાજનક પરિણામ આપી દેવાય તો ભાજપની વર્ષો જૂની પ્રતિષ્ઠાને ધક્કો લાગે તેમાં કોઇ આશ્ચર્ય નહી.