એકજમાનો હતો જ્યારે ફિલ્મો પાછળ દર્શકો ગાંડા થતાં. કોઇ સુપરહિટ ફિલ્મ હોય તો થિયેટરની ટિકિટબારી પર લાંબી લાઇનો લાગી જતી. લોકો રાત્રે લાઇન લગાવીને ઊભા રહેતા જેથી બીજા દિવસે સવારે ટિકિટબારી ખૂલે એટલે પહેલા જલ્દી પોતાનો નંબર લાગે અને ટિકિટ પણ મળી જાય હાઉસફૂલ થાય તે પહેલાં. આવું ઘણી ફિલ્મો માટે બન્યું છે. જેમ કે ‘શોલે’, ‘જય સંતોષી મા’, ‘મુગલ-એ-આઝમ’, જૂના સમયની ‘રામાયણ’ વગેરે ફિલ્મો જોવા લોકોને રાહ જોવી પડતી. તે પછી ૧૯૮૦ના દાયકામાં ટેલિવિઝને પ્રવેશ કર્યો, જ્યારે દૂરદર્શને ૧૫ જેટલા વર્ષો સુધી એકધાર્યું દર્શકો પર રાજ કર્યું અને એક પછી એક સુપરહિટ અને ગુણવત્તાભરી સિરિયલો અને જુદા જુદા પ્રકારના શૉઝ આપ્યા. પછી તો આવ્યો સેટેલાઇટ ચેનલોનો રાફડો. ઝી ચેનલથી શરૂઆત થયા પછી તો ઢગલાબંધ ચેનલો આવી અને અત્યારે તો અસંખ્ય ચેનલોમાંથી પસંદ કરીને જોવી પડે તેટલી બધી ચેનલો થઇ ગઇ છે કે જોવાનો સમય જ ન મળે.
સેટેલાઇટ ચેનલો આવ્યા પછી ફિલ્મો અને થિયેટરોનો યુગ ઘણા લાંબા સમય આથમી ગયો હતો. લોકો સુપરહિટ ફિલ્મો હોય તો જ થિયેટરમાં જોવા જતા. આથી ફિલ્મો નુકસાનીમાં જવા લાગી હતી. જોકે, હવે ફરી થિયેટર યુગ આવ્યો છે.મલ્ટિપ્લેક્સ આવ્યા પછી ફરી દર્શકો થિયેટર તરફ ખેંચાવા લાગ્યા. પણ ઘરમાં બેસીને આખી દુનિયાભરનું મનોરંજન માણવા મળે તે ટીવીને કારણે ફિલ્મોની ડિમાંડ ઓછી તો થઇ જ ગઇ છે. પણ સમય તો દરેક વસ્તુનો બદલાય જ. આથી ટીવી પર પણ હાવી થવા હવે આવી ગયું છે ડિજિટલ મીડિયા. હવે વૅબ સિરિઝનો યુગ ધીરે ધીરે શરૂ થઇ ગયો છે, જે સમય જતાં વિશાળ ફલકમાં પ્રસરી જશે તે નક્કી છે, કારણ કે આજના યુવાવર્ગને આકર્ષે છે તેવા મૉબાઇલમાં હરતા ફરતા આ વૅબ સિરિઝો જોઇ શકાય અને સમયનો પણ બચાવ થાય. આજની પેઢીના દર્શકોનું કલ્ચર ડિજિટલ મીડિયા જ છે. આથી હવે બૉલીવૂડ પણ વૅબ ચેનલો પર ધસારો કરી રહ્યું છે. નિર્માતાઓ પણ અને કલાકારો પણ. મોટા મોટા કલાકારો હવે વૅબ સિરિઝમાં કામ કરતા થઇ ગયા છે. વિશાળ પ્રમાણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દર્શકો મળેઅને ફિલ્મ અને ટીવી કરતા મળતા વધારે પ્રમાણમાં પૈસા પણતેનું કારણ છે. આવો નફો ક્યાંથી મળે! નજીકના સમયમાં બૉલીવૂડમાંથી કોણ કોણ વૅબ સિરિઝમાં આવી રહ્યું છે તેની વિગતો જોઇએ.
અક્ષયકુમાર
ફિલ્મોમાં ધમાલ મચાવી રહેલો અક્ષય કુમાર બહુ જલદી વૅબ દુનિયામાં એન્ટ્રી કરવાનો છે. માર્ચ, ૨૦૧૯માં તેણે ડિજિટલ ડેબ્યુની જાહેરાત કરી હતી. હવે તે વૅબ સિરિઝ ‘ધ એન્ડ’ સાથે ધમાકેદાર ડેબ્યુ કરશે. આ એક થ્રિલર એકશન સિરિઝ હશે.
અભિષેક બચ્ચન
ફિલ્મોમાં બહુ ખાસ ઉકાળી ન શકેલો અભિષેક બચ્ચન પણ બહુ જલ્દી ડિજિટલ ડેબ્યુ કરવાનો છે. તેના માટે તેણે એક ડિજિટલ ચેનલની ફ્રેન્ચાઇઝી ‘બ્રીધ’ને પસંદ કરી છે. ૨૦૧૮માં આવેલી આ મૂળ વૅબ સિરિઝને વિવેચકો અને ચાહકો બંનેએ વખાણી હતી. અમિત સાધ અને આર. માધવનના અભિનયે સાધારણ વાર્તામાં જાન ફૂંકી દીધી હતી. હવે તેની બીજી સિઝનમાં અભિષેક બચ્ચન જોવા મળશે. ચેનલે તેની જાહેરાત પણ કરી દીધી છે.
મનોજ બાજપેયી
એક ડિજિટલ માધ્યમ પર આવનારી વૅબ સિરિઝ ‘ધ ફેમિલી મેન’ દ્વારા મનોજ બાજપેયી તેનું ડિજિટલ ડેબ્યુ કરશે. આ સિરિઝ એક મધ્યમ વર્ગના માણસની વાર્તા છે, જે સ્પેશ્યલ એજન્ટ છે. મનોજની સિરિઝનો તેના ચાહકોને બહુ ઇંતેજાર છે.
સંયમીખેર
અભિષેક બચ્ચન સાથે જ ‘બ્રીધ સિઝન ટુ’ દ્વારા સંયમી ખેર પણ ડિજિટલ દુનિયામાં પગલાં માંડી રહી છે. સંયમી તેની પહેલા ઓમ પ્રકાશ મહેરાની ‘મિર્ઝિયાં’ ફિલ્મ કરી ચૂકી છે, જેમાં તેની સાથે લીડ રોલમાં અનિલ કપૂરનો પુત્ર હર્ષવર્ધન હતો.
ઇમરાન હાશમી
એક ડિજિટલ ચેનલ પર ૨૭મી સપ્ટેમ્બરથી એક નવી વૅબ સિરિઝ ચાલુ થવાની છે. નામ છે ‘બાર્ડ ઑફ બ્લડ’.આ વૅબ સિરિઝમાં ઇમરાન હાશમી લીડ રોલમાં છે. ઇમરાન આ પહેલા ‘ટાઇગર’ નામની વૅબ ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે.
શાહરુખ ખાન
બાદશાહ ખાન પણ વૅબ વર્લ્ડમાં એન્ટ્રી કરી રહ્યો છે, પણ આ વખતે તે પરદાની પાછળ રહીને કામ કરશે. ૨૭મી સપ્ટેમ્બરે રજૂ થઇ રહેલી વૅબ સિરિઝ ‘બાર્ડ ઑફ બ્લડ’ને શાહરુખ જ પ્રોડ્યુસ કરી રહ્યો છે.આ સિવાય આવનારા સમયમાં અન્ય કેટલાયે બૉલીવૂડ સ્ટાર્સ વૅબ વર્લ્ડમાં પગલાં માંડતા જોવા મળશે. તેમાં વિદ્યા બાલનના આવવાની વાત પણ ચર્ચામાં છે.