ખાસ્સા એવા લાંબા સમયથી બૉબી ગર્લ ડિમ્પલ કાપડિયા ફિલ્મો અને લાઈમ લાઈટથી દૂર છે, પણ હવે ડિમ્પલે બી-ટાઉનના અન્ય સ્ટાર્સની જેમ જ ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યું છે અને એ પણ ક્રિસ્ટોફર નોલનની આગામી ફિલ્મ ‘ટેનેટ’થી. ડિમ્પલના ચાહકો માટે તો આ સોને પે સુહાગા જેવી વાત હશે, એક તો ડિમ્પલને મોટી સ્ક્રીન પર જોવી અને એ પણ ઈન્ટરનેશનલ લેવલ પર… આહાહાહા જલસો પડી જવાનો.
આ ફિલ્મ અને લાંબા સમય બાદ ફરી કેમેરાની પાછળ આવીને કેવું લાગે છે એ વિશે વાત કરતાં તે જણાવે છે કે ‘ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ બનાવવાની રીત ઘણી જ અલગ છે અને એવું હોય એ સ્વાભાવિક પણ છે. તે બહુ જ ફોકસ થઈને કામ કરે છે અને પોતાની સ્ક્રિપ્ટમાં હંમેશાં એક્ટર અને દર્શક માટે એક એક સરપ્રાઈઝ એલિમન્ટ રાખતા હોય છે, જે તેની ખાસિયત છે. એક વખત જોઈને ક્રિસ્ટોફરની ફિલ્મ સમજાતી નથી અને તેને સમજવા માટે દર્શકો એ ફિલ્મ બીજી વાર ચોક્કસ જુએ છે અને જેમ જેમ તેમને સ્ટોરી સમજાય છે તેમ તેમ તેમને મજા પડે છે.’ફિલ્મોથી દૂર હોવા છતાં પણ ડિમ્પલને આ ફિલ્મ કઈ રીતે ઓફર થઈ એવો સવાલ થવો સ્વાભાવિક છે અને તેમાં ક્રિસ્ટોફર નોલન જેવા ડિરેક્ટર સાથે ઈન્ટરનેશનલ ડેબ્યુ કરવાની વાત જ આખી અલગ છે. પરંતુ બોબીગર્લે આખરે ફિલ્મમાં પોતાનો રોલ લઈને જ રાહતનો શ્ર્વાસ લીધો. વાતનો દોર આગળ વધારતાં તે જણાવે છે કે ‘મને જ્યારે મારા રોલ માટે મારી કાસ્ટિંગ ડિરેક્ટરનો ફોન આવ્યો ત્યારે મેં ઓડિશનની લિંક બનાવીને મોકલી હતી. જોકે, મને ડર હતો કે આટલા મોટા ડિરેક્ટર છે તો મને કદાચ સિલેક્ટ નહીં કરે અને જો હું સિલેક્ટ ન થઈ તો મને ખરાબ લાગશે. જોકે, હું ત્યાં ગઈ અને તેમને મળીને મેં ઓડિશન આપ્યું હતું. પહેલો ટેક તો સારો રહ્યો, પરંતુ બીજા ટેકમાં હું અટકી ગઈ અને મેં તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે કઈ રીતે હું તેમને જોઈને સાવ જ બ્લેન્ક થઈ ગઈ અને બધા જ ડાયલૉગ ભૂલી ગઈ. એ વખતે ક્રિસ્ટોફર નોલને પોતાના હાથમાં કેમેરો લઈને શૂટિંગ ચાલુ કરાવ્યું અને મને કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું.’લાંબા સમય બાદ ફિલ્મમાં કામ કરી રહેલી ડિમ્પલે આ રોલ માટે તેના રોજિંદા જીવનમાં ઘણા બધા ફેરફારો કરવા પડ્યા હતા. એટલું જ નહીં આ ફિલ્મ માટે ડિમ્પલે પોતાના વાળ સફેદ કરી નાખ્યા હતા. ક્રિસ્ટોફર નોલનના ભારતમાં લાખો ચાહકો છે. જ્યારે પણ તેમની ફિલ્મ આવે ત્યારે ચાહકો થિયેટરમાં જાય છે અને તેમાં પણ હવે બધાની ફેવરિટ બોબીગર્લ લાંબા સમય બાદ ફિલ્મોમાં પાછી ફરી રહી છે એટલે ચોક્કસ જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થવાની છે.