મુખ્યપ્રધાને તીર્થધામ અંબાજીમાં મા નો રથ દોરી ભાદરવી પૂનમના મહામેળાનો રવિવારે પ્રારંભ કરાવ્યો હતો. જે પ્રસંગે મુખ્યપ્રધાને ગુજરાત સુખી-સમૃધ્ધ, સલામત અને શક્તિશાળી બને તેવી મનોકામના વ્યક્ત કરી હતી. પ્રથમ દિવસે અંદાજીત પોણા ત્રણ લાખ ભક્તોએ માના પગ પખાળ્યા હતા.
અંબાજી ખાતે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ રવિવારે ભાદરવી પૂનમના મહામેળાનો શક્તિદ્વારથી માતાજીનો રથ ખેંચી ‘બોલ માડી અંબે. જય જય અંબે.’ ના નાદ સાથે મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. મેળાના પ્રથમ દિવસે અંદાજીત પોણા ત્રણ લાખ ભક્તોએ માના પગ પખાળ્યા હતા. આ ઉપરાંત અંબાજી માતાના દર્શન વિશ્વભરના માઇભક્તો લાઈવ જોઈ શકે અને મેળો માણી શકે તે હેતુસર લાઇવ વેબ કાસ્ટીંગ,અંબાજી દર્શને આવનારા યાત્રિકોને અંબાજીની માહિતી મળી રહે તે માટે ઓટોમેટેડ એસ.એમ.એસ. હેલ્પલાઇન સીસ્ટમ,મેળામાં ખોવાયેલા બાળકો તેમના માતા-પિતા કે વાલીને સરળતાથી પાછા મળી જાય તે માટે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી બાળકોને RFID કાર્ડ વિતરણ અને ચાઈલ્ડ મિસિંગ હેલ્પ લાઈનનો તેમજ વૃદ્ધ દિવ્યાંગ અશક્ત લોકો માટે મેળા દરમ્યાન વિનામૂલ્યે બસ સેવાનો પણ આરંભ કરાવ્યો હતો.
વોડાફોન સર્વિસ દ્વારા આધુનિક ટેકનોલોજીયુક્ત કાર્ડ બાળકના ગળામાં પહેરાવી અને બાળકના માતા-પિતા અથવા વાલીના મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. RFID કાર્ડ પહેરેલું બાળક મળી આવે ત્યારે સ્કેનરવાળા કોઇપણ સેન્ટર પર જે તે બાળકને સ્વયંસેવકો, પોલીસ કર્મચારીઓ,વોલેન્ટીયર્સ અથવા જે વ્યક્તિને બાળક મળી આવે તે વ્યક્તિ બાળકને કંટ્રોલરૂમમાં પહોંચાડશે. અને તેમના વાલીઓ સુધી ઓટોમેટેડ એસ.એમ.એસ.થી જાણ કરાશે. વાલીઓ પોતાના બાળકની ઓળખ આપી પોતાના વિખુટા પડેલા બાળકને સ્વગૃહે પરત લઇ શકશે.
અંબાજી મંદિરમાં ચઢાવવામાં આવતા નારીયેળ, ગુલાબ, ફુલો, ચુંદડી, અગરબત્તી, ધજાઓ વગેરેમાંથી પડતા વેસ્ટમાંથી અનેકવિધ વેલ્યુએડેડ ચીજવસ્તુઓ બનાવી વેચાણ અર્થે મુકી શકાય તેમજ ચુંદડીમાંથી ફાઇલ, ફોલ્ડર, બેગ, બાસ્કેટ, કેપ,બેલ્ટ, તોરણ, ચકડા, ગીફ્ટ જેવી આર્ટીકલ વસ્તુઓ તથા માતાજીને ચઢાવવામાં આવતા શ્રીફળમાંથી લાડુ બનાવી કુપોષિત બાળકોને આપવાનો ઉપરાંત શ્રીફળની છાલમાંથી ગણેશજીની મૂર્તિ અને પેપર બેગ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જેના થકી વનવાસી બહેનોને આર્થિક ઉપાર્જન થશે.
અંબાજી મેળામાં મુખ્યમંત્રીના હસ્તે પોતાના માતા-પિતાથી વિખુટા પડેલા બાળકો માટે માતૃમિલન પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો છે.બનાસકાંઠા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા 24 કલાક ટોલ ફ્રી નં. 1098 શરૂ કરવામાં આવ્યો છે. આ નંબર ઉપર ફોન કરી વિખુટા પડેલા બાળકોની ભાળ મેળવી શકાશે.