નવી દિલ્હી
ભારતીય વાયુસેના હવે વધારે મજબૂત બની ગઈ છે. દુનિયાના સૌથી શ્રેષ્ઠ લડાકૂ વિમાનોમાંના એક અપાચે હેલિકોપ્ટર હવે ભારતીય વાયુસેનાનો હિસ્સો બની ગયા છે. મંગળવારે સવારે વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બી એસ ધનોઆની હાજરીમાં પંજાબના પઠાણકોટ એરબેઝ પર આઠ અપાચે હેલિકોપ્ટરનો સમાવેશ કરવામાં આવ્યા છે. આ એ જ પઠાણકોટ એરબેઝ છે જ્યાં 2016માં પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. એરબેઝ પર વાયુસેનામાં સામેલ થયા પહેલા અપાચે હેલિકોપ્ટરની પૂજા કરી નારિયેળ ફોડવામાં આવ્યું અને પારંપરિક રીતે તેનું સ્વાગત કરવામાં આવ્યું. 60 ફૂટ ઉંચા અને 50 ફૂટ પહોળા અપાચે હેલિકોપ્ટરને ઉડાડવા માટે બે પાયલટની જરૂર પડશે. અપાચે હેલિકોપ્ટરના મોટા વિંગને ચલાવવા માટે બે એન્જિન હોય છે. જેના કારણે આ વિમાન ખૂબ જ વધારે ઝડપથી ઉડી શકશે. આ હેલિકોપ્ટર થર્મલ ઈમેજિંગ સેંસરનો ઉપયોગ કરીને છુપાયેલા આતંકવાદીઓને શોધવામાં મદદરૂપ થઈ શકશે.
બે સીટવાળા હેલિકોપ્ટરમાં હેલિફાયર અને સ્ટ્રિંગર મિસાઈલ્સ પણ લાગેલી હશે. જેમાં એક સેંસર પણ લાગેલું છે. જેના કારણે આ હિલ્કોપ્ટરની મદદથી આતંકવાદીઓ વિરુદ્ધ રાત્રે પણ ઓપરેશન કરી શકાશે. આ હેલિકોપ્ટરની વધુમાં વધુ ઝડપ 280 કિલોમીટર પ્રતિ કલાકની છે. અપાચે હેલિકોપ્ટરની ડિઝાઈન એવી છે કે તેને રડાર પર પકડવું પણ મુશ્કેલ છે.