રાજ્યમાં હજુ સુધીમાં ૧૩.૮૭ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું ઃ મગફળીમાં ટપકા-ગેરુ રોગ જાવા મળે છે
અમદાવાદ,તા.૩
ચોમાસાની ઋતુમાં અગત્યના રોકડીયા એવા મગફળીના પાકને વિવિધ રોગોથી રક્ષણ આપવા ખેતી નિયામક દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં એક માર્ગદર્શિકા જાહેર કરાઇ છે. આ માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૩.૮૭ લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે. છેલ્લા અઠવાડીયામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો છે અને આગામી દિવસોમાં મોટે ભાગે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે. વાદળછાયું વાતાવરણ રોગ અને જીવાતના ફેલાવા અને વિકાસ માટે અનુકૂળ હોય છે. મગફળીમાં વાવણી બાદ ૩૦-૪૦ દિવસે ટપકાનો અને ગેરૂ રોગ જોવા મળે છે. ટપકાંનો રોગ બે પ્રકારનો હોય છે આગોતરો ટપકાનો રોગ અને પાછોતરો ટપકાનો રોગ. વાવણી બાદ ૩૦-૪૦ દિવસે ગોળ, ભુખરા કે કથ્થઈ રંગના ટપકા પાનની નીચલી સપાટીએ જોવા મળે તો પાછોતરો ટપકાનો રોગ કહે છે. ટપકાથી થતા ચાઠા પર્ણ, ઉપપર્ણ, પ્રકાંડ અને સૂયા પર પણ લાગે છે અને પ્રકાશ સંશ્લેષણ થતુ નથી. ગેરૂ રોગમાં શરૂઆતમાં પાનની નીચે ટાંક્ણી જેવડા નાના ગેરૂ રંગના ઉપસેલા ટપકાં જોવા મળે છે સમય જતા ટપકાં પાનની ઉપરની સપાટી પર અને જો ઉગ્ર સ્વરૂપ હોય તો છોડની દાંડી પર પણ આછા ટપકાં જોવા મળે છે. રોગના કારણે ડોડવામાં દાણા પુરતા ભરાતા નથી અને દાણાની ગુણવત્તા નબળી રહે છે. વધુમાં ટીક્કા અને ગેરૂ રોગના નિયંત્રણ માટે ખેડૂતોએ લીમડાનો સંતૃપ્ત અર્ક બનાવી તેનું ૧ ટકા દ્રાવણ એટલે કે લીમડાના પાનનો ૧ લિ શુદ્ધ અર્ક, ૯૯ લિટર પાણીમાં મિક્ષ કરી ૩૦,૫૦,૭૦ દિવસે છંટકાવ કરવો. કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવેલ ફુગનાશક દવાનો જરૂરીયાત મુજબ છંટકાવ કરવો જેમાં મગફળીનો પાક ૩૦-૩૫ દિવસનો થાય ત્યારે ૦.૨ ટકા મેંકોઝેબ અથવા ક્લોરોથેલોનીલ ૧૦ લિટર પાણીમાં ૨૫ ગ્રામ અથવા ટ્રાઈડેમોર્ફ અથવા હેક્ઝાકોનાઝોલ દવા ૧૦ લિટર પાણીમાં ૫ મિલિ પ્રમાણે મિશ્ર કરી ૧૨ થી ૧૫ દિવસના અંતરે ૩ છંટકાવ કરવા. મગફળીમાં વાવેતર સમયે ધૈણના નિયંત્રણ માટે સામાન્ય રીતે કલોરપાયરીફોસ ર૦ ટકા ઈસી અથવા કવીનાલફોસ ર૫ ટકા ઈસી દર કિ.ગ્રા. બીજ દીઠ ર૫ મીલી પ્રમાણે બીજ માવજતની ભલામણ કરવામાં આવી છે પરંતુ કોઈ ખેડૂતો દ્વારા બીજ માવજત આપવાની બાકી રહી ગઇ હોય અથવા બીજ માવજતની અસરકારકતા ઓછી થઈ ગઇ હોય તો ઉભા પાકમાં કવીનાલફોસ અથવા કલોરપાયરીફોસ હેકટરે ૪ લીટર પ્રમાણે પિયતનાં પાણી સાથે ટીપે-ટીપે આ૫વા અનુરોધ કરવામાં આવ્યો છે, તેમ માર્ગદર્શિકામાં વધુમાં જણાવાયું છે. અત્રે નોંધનીય છે કે, મગફળી ટુંકા ગાળાનો ખુબ જ અગત્યાનો રોકડીયો પાક છે. મગફળીનું રાજ્યમાં ગત વર્ષે ૧૬.૦૫ લાખ હેકટરમાં વાવેતર થયેલ જે પૈકી ચોમાસુ મગફળીનું ૧૫.૬૬ લાખ હેક્ટર લાખ હેકટરમાં વાવેતર નોંધાયેલ હતુ. ગુજરાતમાં અંદાજિત ૩૦ લાખ ટન જેટલુ મગફળી ઉત્પાદન થાય છે. રાજ્ય સરકાર દ્રારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે અને ગત વર્ષે ૨૨૪૨.૩૦ કરોડની કુલ ૪.૪૮ લાખ મે ટન મગફળી ખરીદ કરવામાં આવેલ. જેથી સારો ટેકાનો ભાવ મળવાથી દિન પ્રતિદિન મગફળીનો પાક ખેડૂતોમાં પ્રચલિત બનેલ છે અને ચાલુ વર્ષે રાજ્યમાં ચોમાસુ મગફળીનો આજ દિન સુધી ૧૩.૮૭ લાખ હેક્ટર વાવેતર વિસ્તાર નોંધાયેલ છે. ગુજરાતમાં મગફળીનું મુખ્યપત્વે વાવેતર સૌરાષ્ટ્ર , કચ્છ અને ઉત્તર ગુજરાતમાં થાય છે.