અર્બન કો-ઓપરેટિવ બેંકિંગ સમિતનો પ્રારંભ

0
126

અમદાવાદ,તા.૩
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ સાથે કદમ મિલાવવા કો-ઓપરેટિવ બેન્કિંગ ક્ષેત્રે પણ અદ્યતન ટેકનોલોજીના સમન્વય અને વિનિયોગની આવશ્યક્તા અનિવાર્ય ગણાવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ખાસ કરીને સહકારી બેંકો વિશ્વાસ અને ભરોસા પર ચાલતી હોય છે તેવા સમયે તમામ વિગતો ડિજિટલી ઉપલબ્ધ થાય તો આપોઆપ પારદર્શિતા આવશે. આ પારદર્શિતા જ સહકારી બેંકોના વિકાસ માટેનો આધાર બની રહેશે. મુખ્યમંત્રી અમદાવાદમાં નેશનલ ક્રેડિટ એન્ડ અર્બન કો-ઓપરેટિવ બેન્કિંગ સમિટ – ૨૦૧૯નો પ્રારંભ કરવાતા સંબોધન કરી રહ્યા હતાં. આ સમિટનું આયોજન ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ યુનિયન અને નવી દિલ્હીની કોઓપરેટિવ બેન્ક ઓફ ઇન્ડિયા તથા ધી ઇકોનોમિક ટાઇમ્સના સહયોગથી કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે બદલતા વિશ્વમાં જ્યાં તમામ વ્યવહારો ઓનલાઈન અને ઘરે બેઠા શક્ય બન્યા છે ત્યારે ગુજરાતના સહકારી ક્ષેત્રે પણ ડિજિટાઇઝેશનનો માર્ગ અપનાવવો પડશે.
નાના માણસો માટે સહકારી બેન્કો મોટી બેંક હોય છે એ ધ્યેયને પાર પાડવા તેમણે સામાન્ય માણસ પણ બેંકમાં જઈ સરળતાથી લોન મેળવી શકે તે માટેનું વ્યવસ્થાતંત્ર ગોઠવવા પર ભાર મૂક્યો હતો. વિજય રૂપાણીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ઇકોનોમી પાંચ ટ્રિલિયન ડોલરની કરવાનો જે નિર્ધાર કર્યો છે તેમાં પાયાના આર્થિક પત્થર તરીકે સરકારી ક્ષેત્રનો મહત્વપૂર્ણ ફાળો બની રહેવાનો છે.