અમદાવાદ: મહેસાણા જિલ્લાના ડાભલા ચાર રસ્તા પર આજે વહેલી સવારે મજૂરીએ જઇ રહેલી બે શ્રમજીવી મહિલાઓને પૂરપાટઝડપે અને બેફામ રીતે કાર હંકારતા ઇકો કાર(GJ019 AM0978)ના ચાલકે અડફેટે લેતા મહિલાઓ રોડ ઉપર પટકાઇ હતી, બંને શ્રમજીવી મહિલાઓના ગંભીર ઇજાઓ થવાના કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા. બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. ખાસ કરીને શ્રમજીવી આલમમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. રોષે ભરાયેલા શ્રમજીવી પરિવારના લોકોએ આરોપી કારચાલકની તાત્કાલિક ધરપકડ કરી તેને સખત નશ્યત કરવા ઉગ્ર માંગણી કરી હતી. પોલીસે પણ સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ જરુરી ગુનો દાખલ કરી આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી હતી. ઇકો કારચાલકે પોતાનું વાહન એટલી હદે બેફામ ચલાવી બંને શ્રમજીવી મહિલાઓને જોરદાર ટક્કર મારી હતી કે, તેમાં બંને મહિલાઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં હંસાબેન નટવરલાલ પરમાર(ઉં.વ.55) અને ખેમીબેન નારણભાઈ પરમાર(ઉં.વ.60) નામની બંને શ્રમજીવી મહિલાના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ બનાવની જાણ થતાં ગ્રામજનો હાઇવે પર દોડી આવ્યા હતા. બીજીબાજુ, તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરાઇ હતી. ત્યાર બાદ બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વિજાપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બન્ને મૃતક મહિલાઓ વસઈની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, બંને શ્રમજીવી મહિલાઓ્ના મોતને પગલે સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. ખાસ કરીને શ્રમજીવી પરિવાર અ્ને તેમના વર્ગમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી , રોષે ભરાયેલા શ્રમજીવી લોકોએ આરોપી કારચાલકની તાત્કાલિક ધરપકડ કરી તેની વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સખત નશ્યત કરવા ઉગ્ર માંગણી કરી હતી. જેને લઇ સમગ્ર મામલો ગરમાયો હતો.