અમદાવાદ: ગુજરાતના ઇષ્ટ દેવ સોમનાથ મહાદેવના મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનપદે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વરણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી દેશના બીજા વડા પ્રધાન છે જે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા છે. તેમની પહેલા મોરારજી દેસાઇ વડા પ્રધાન હતા ત્યારે તેઓ ટ્રસ્ટના ચેરમેન બન્યા હતા. તેમજ માજી નાયબ વડાપ્રધાન નાયબ વડા પ્રધાન એલ કે અડવાણી પણ અધ્યક્ષ પદે રહી ચૂક્યા હતાસોમવારે સાંજે ટ્રસ્ટીઓની વર્ચ્યુઅલ બેઠક મળી હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સર્વાનુમતે ટ્રસ્ટના નવા અધ્યક્ષ તરીકે જાહેરાત કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીને એક વર્ષના કાર્યકાળ માટે અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ અગાઉ બે વખત અનિવાર્ય સંજોગોના કારણે ફરી બેઠક મુલતવી રહી હતી.બે મહિના પહેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન એવા પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલનું અવસાન થતા ચેરમેન પદ ખાલી પડ્યું હતું. જેથી ટ્રસ્ટના નવા ચેરમેનની નિમણૂક કરવા માટે સોમવારે સાંજે ટ્રસ્ટીઓની વર્ચ્યુઅલ બેઠક મળી હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતના ટ્રસ્ટીઓ ઓનલાઇન જોડાયા હતા.આ બેઠકમાં નવા ચેરમેનની વરણીના એજન્ડા સાથે સોમનાથમાં ચાલતા વિકાસ કામોની ચર્ચાઓના એજન્ડા પર ચર્ચા પણ થઈ હતી. જોકે દર ત્રણ મહિને આવી બેઠક રાબેતા મુજબ મળતી હોય છે.