યુક્રેન પછી અમેરિકાનાં આલાસ્કા ઉપર મિસાઈલ એટેકની રશિયાની ખુલ્લી ધમકી

0
5

 વિશ્વ વિસુવિયસનાં શિખર તરફ જઈ રહ્યું છે

– યુક્રેન યુદ્ધ ખતરનાક વળાંક પર : પરિણામ ન આવતાં રશિયા ધૂંંધવાયું છે, મેદવેદેવે ચેતવણી આપી છે કે યુક્રેનને વધુ શસ્ત્રો આપવાથી તબાહી થઈ જશે

યુક્રેન યુદ્ધ ખતરનાક વળાંક પર આવી ગયું છે. એક વર્ષથી પણ વધુ સમય સુધી ચાલી રહેલાં આ યુદ્ધમાં કોઈ પરિણામ આવ્યું નથી. આથી રશિયા ધૂંધવાયું છે. તેના લાખ્ખો સૈનિકો અને અબજોની સંપત્તિ સ્વાહા થઈ ગઈ છે. યુક્રેનને સહાય કરનારા દેશો, ખાસ કરીને અમેરિકા ઉપર રશિયા સળગી રહ્યું છે. તેથી અમેરિકાને પાઠ ભણાવવા રશિયા અમેરિકાનાં જ ઉત્તર પશ્ચિમતના રાજ્ય આલાસ્કા ઉપર મિસાઈલ એટેક કરવાની ધમકી આપી છે. તજજ્ઞાો માને છે કે તે મિસાઈલ્સ પરમાણુ શસ્ત્રોથી પણ સજ્જ હોઈ શકે.

રશિયાની સંસદ ડુમાના ડેપ્યુટી આંદ્રે ગુરલ્યોવે સરકારી ટીવીને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, ટેકસાસ ઉપર હુમલો કરવાની જરૂર જ નથી. અમારી પાસે પરમાણુ શસ્ત્રોનો જથ્થો છે. જે અમેરિકા ઉપર દબાણ કરવા માટે સક્ષમ છે. હું તમોને યાદ આપું છું કે એશિયા અને અમેરિકાને જુદાં પાડતી બેરિંગની સામુદ્રધુનીની પેલી બાજુએ આલાસ્કા છે. જ્યાં અમે હુમલો કરી શકીએ છીએ. તેમણે વધુમાં કહ્યું અમારી પાસે ઓપરેશમીલ ઇસ્કંદર મિસાઈલ્સ છે. બેલાસ્ટિક મિસાઈલ્સ છે. ક્રૂઝ મિસાઇલ્સ છે. આલાસ્કામાં તબાહી મચાવતાં અમને વાર નહીં લાગે. આ મિસાઇલ્સ એલાસ્કાની ભૂમિ પર તબાહી મચાવવા પૂરતાં સક્ષમ છે.

તમો આલાસ્કા ઉપર હુમલો શા માટે કરવા માગો છો ? તેવા સંવાદદાતાના પ્રશ્ન ઉપર જવાબ આપતાં ગુરલ્યોએ કહ્યું હતું કે, તેઓને ડરાવવા માટે.

રશિયા તરફથી આ કથન તેવા સમયે આવ્યું છે કે જ્યારે મોસ્કોનાં આક્રમણ વચ્ચે યુક્રેનને સહાય કરવા માટે તેણે અમેરિકાની ઉગ્ર ટીકા પણ કરી હતી. રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અને પુતિનની સંરક્ષણ-પરિષદના વર્તમાન વડા દિમિત્રી મેદવેદેવે ચેતવણી આપી છે કે જો યુક્રેનને વધુ શસ્ત્રો આપવામાં આવશે તો તબાહી અધિક ખતરનાક બની જશે. આ શસ્ત્રો જેટલાં વધુ વિનાશકારી હશે તેટલી વધુ સંભાવના તે બનશે કે વિશ્વ પરમાણુ સર્વનાશ તરફ જઈ રહ્યું છે.

આ પૂર્વે પણ રશિયન નેતાઓ આલાસ્કા ઉપર હુમલો કરવાની વાત કહેતા હતા. બહુ થોડાને ખબર હશે કે આલાસ્કા પહેલાં (ઝારના સમયમાં) રશિયાનું હતું. પરંતુ ૧૮૨૧માં ઝાર એલેક્ષઝાંડર ૧લાએ પાંચ લાખ પૌંડમાં અમેરિકાને વેચ્યું હતું. તે સમયે મનરો અમેરિકાના પ્રમુખ હતા. આ સોદા પછી તેઓએ અમેરિકા-ફોર અમેરિકન્સ નું સૂત્ર આપ્યું. આ સૂત્ર માટે તેમજ અમેરિકામાંથી ગુલામી પ્રથા દૂર કરવા માટે પ્રેસિડેન્ટ મનરો અમર બની ગયા છે.