બૉલીવૂડની સફળ અભિનેત્રીઓમાં આજે દીપિકા પદુકોણનું નામ મોખરે છે, પણ એક સમય એવો હતો જ્યારે તેને પણ અનેક સમસ્યામાંથી પસાર થવું પડ્યું હતું. દીપિકા પદુકોણ કહે છે કે લોકોની ટીકા મારા માટે પીડાદાયક હતી, પણ તેનાથી હું જીવનમાં ઘણું શીખી છું. દીપિકા પદુકોણની પહેલી ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ ૨૦૦૭માં આવી હતી.
ફિલ્મ તો સુપરહિટ રહી હતી, પણ દીપિકા ત્યારે દુ:ખી હતી અને તેનું કારણ હતું લોકોની વાતો. અભિનેત્રીએ તેનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે ‘એવા લોકોનો પણ એક વર્ગ હતો, જેમણે મારા કામની તીવ્ર ટીકા કરી હતી. એક મોડેલ અભિનય કરી શકે નહીં, એમ તેમનું કહેવું હતું. મારા એક્સેન્ટ (ઉચ્ચાર)ની મજાક ઉડાવવામાં આવી હતી. મારા અને મારા અભિનય વિશે પણ ઘણું લખવામાં આવ્યું હતું. આ બધી વસ્તુથી મને ઘણી તકલીફ થતી હતી. એ સમયે મારી ઉંમર ૨૧ વર્ષની હતી. આ ઉંમરે લોકોની વાતોથી તમારું મન દુભાય એ સ્વાભાવિક છે.’
જોકે, દીપિકા એ વાત સ્વીકારે છે કે લોકોની ટીકાને કારણે જ તેને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળી છે. દીપિકા પદુકોણ જૂના દિવસો યાદ કરતાં કહે છે કે ‘અમુક વર્ષો સુધી મોડેલિંગની દુનિયામાં કામ કર્યા બાદ મને ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી. મને ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મ મળી ત્યારે હું ફક્ત ૧૯ વર્ષની હતી. લોકોની ટીકાએ જ મને મહેનત કરવા અને કૌશલ્યને નિખારવા માટે પ્રેરણા આપી. મારા વ્યક્તિગત વિકાસમાં તેનો મહત્ત્વનો ફાળો છે. અસફળતાએ મને ઘણું શીખવાડ્યું છે.’
વર્ષ ૨૦૦૭ બાદ દીપિકા પદુકોણની કિસ્મત ચમકી ગઇ અને તેને એક પછી એક ફિલ્મો મળવા લાગી. આજે તેની ગણના બૉલીવૂડની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. એ કહેવું ખોટું નથી કે ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મ મળવી એ દીપિકા પદુકોણ માટે ગેમ ચેન્જર સાબિત થઇ ગઇ અને તેણે પહેલી જ ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર ઓપનિંગ કર્યું. આ સાથે જ શાહરુખ ખાન જેવા મોટા ગજાના અભિનેતા સાથે કામ કરવાની તક મળી એ ખૂબ મોટી વાત હતી. આજે દીપિકા પદુકોણના નામે અનેક સફળ ફિલ્મો છે. આમાં ‘છપાક’, ‘પદ્માવત’, ‘પીકુ’, ‘બાજીરાવ મસ્તાની’, ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’, ‘યે જવાની હૈ દિવાની’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’ જેવી અનેક ફિલ્મોનો સમાવેશ છે. આ ઉપરાંત હાલમાં દીપિકા પાસે અનેક નવા પ્રોજેક્ટ્સ છે, જેમાં ‘૮૩’ ફિલ્મનો પણ સમાવેશ છે, જે ૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા કપિલ દેવ પર આધારિત છે.