વિસાવદરનાં રાજપરામાં વિધિનાં નાણાની ઉઘરાણીનાં મામલે ગઇકાલે રવિવારે મોડી સાંજે ફાયરિંગની ઘટના બની હતી. હુમલાખોરોએ યુવાનનું અપહરણ કરી ત્રણ બાઇકને સળગાવી દીધા હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરાઇ છે.
વિધીનાં નાણાની ઉઘરાણી મામલે ઝઘડો થતા હુમલાખોરોએ તોડફોડ કરી
પ્રાપ્ત વિગત મુજબ વિસાવદર તાલુકાનાં રાજપરા ગામે રહેતા જાયદાબેન ભીખુશા રફાઇ નામની મહિલાનાં પતિ ભીખુશા રફાઇએ લાલુ મેર નામનાં શખ્સની વિધિનું કામ કરી આપ્યું હતું. જેમાં ૩ લાખની ઉઘરાણી કરતા શનિવારે સાંજે નાસીર રહીમ, પોપટ મકરાણી, બાલુ મેર સહિતનાં 7 શખ્સો મહિલાને ત્યાં ધસી ગયા હતા. બાદમાં આ શખ્સોએ હુમલો કરી મહિલાનાં 90 હજારની કિંમતનાં સોનાના ચેનની લૂંટ ચલાવી અને જાયદાબેનને કપાળના ભાગે છરી ઝીંકીને નાસી ગયા હતાં. આ અંગે મહિલાએ વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસ કોઇ કાર્યવાહી કરે તે પહેલાં ગઇકાલે રવિવારે સાંજે નાસીર રહીમ, પોપટ મકરાણી, થારૂ મકરાણી અને ત્રણ અજાણ્યા શખ્સો જાયદાબેનની વાડીએ ધસી ગયા હતા. જ્યાં આ શખ્સોએ હવામાં બંદુકમાંથી ફાયરિંગ કર્યું હતું. તેમજ ત્રણ મોટર સાયકલને આગ ચાંપી મકાનમાં તોડફોડ મચાવીને રૂા. દોઢ લાખનું નુકસાન કર્યું હતું. આ પછી પાંચેય શખ્સો મહિલાના પતિ ભીખુશા રફાઇનું અપહરણ કરી ગયા હતાં. આ અંગેની જાણ થતાં વિસાવદરથી પોલીસ કાફલો ધસી ગયો હતો અને મહિલાની બીજી ફરીયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.