
Bishnoi Gang Sharp Shooter Arrested: 14 એપ્રિલના રોજ બાંદ્રામાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના બંગલાની બહાર ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં સામેલ એક આરોપીની બુધવારે મોડી રાત્રે હરિયાણાના પાણીપતથી ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસ અને હરિયાણાએ સંયુક્ત ઓપરેશનમાંપાણીપતથી સુખાની ધરપકડ કરી હતી. તે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો શાર્પ શૂટર છે. પનવેલ સિટી પોલીસ અને હરિયાણા પોલીસે તેને એક હોટલમાંથી પકડી લીધો છે.
હરિયાણા પોલીસે કાનૂની ઔપચારિકતા બાદ તેને મુંબઈ પોલીસને સોંપ્યો હતો. તેની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે મુંબઈ પોલીસ બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ કરી રહી છે.
પોલીસથી બચવા માટે દાઢી અને વાળ ઉગાડ્યા હતા
આ વર્ષે 14 એપ્રિલે બોલિવૂડ એક્ટર સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સવારે 4.50 વાગ્યાની આસપાસ બે અજાણ્યા લોકોએ હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગ કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. બંને શૂટરો બાઇક પર આવ્યા હતા. આ બંનેની મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને ગુજરાત પોલીસની ટીમે પશ્ચિમ કચ્છમાંથી ધરપકડ કરી હતી. .
પરંતુ તેમની સાથેનો ત્રીજો સુખા નામનો વ્યક્તિ ફરાર થઈ ગયો હતો. આરોપી શૂટર સુખાએ પનવેલમાં સલમાન ખાનના ફાર્મ હાઉસની રેકી પણ કરી હતી. તે પાણીપતમાં છુપાયો હતો. પોલીસથી બચવા માટે તેણે પોતાના વાળ અને દાઢી વધારી દીધી હતી.
આ પણ વાંચો: જાણીતા સિંગર લિયામ પેનનું બાલ્કનીમાંથી પડી જતાં મૃત્યુ, કોન્સર્ટ માટે ગયા હતો આર્જેન્ટિના
બિશ્નોઈ ગેંગ પર બાબા સિદ્દીકીની હત્યાનો પણ આરોપ
સુખાની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે પોલીસ બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ કરી રહી છે. મહારાષ્ટ્રના અગ્રણી નેતા અને અજિત પવાર જૂથના સભ્ય બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે હત્યા કરવામાં આવી હતી અને આ હત્યાની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી હતી. આ હત્યા મામલે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.