સુરત : સુરતના પાંડેસરામાં રહેતી 13 વર્ષીય વિદ્યાર્થીનીએ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેના માતા-પિતા કામ પર ગયા હતા ત્યારે કિશોરીએ અંતિમ પગલું ભરી લીધું હતું.નવી સિવિલ હોસ્પિટલમાંથી પ્રાપ્ત વિગત અનુસાર પાંડેસરા જય અંબેનગરમાં રહેતા અને મૂળ ઝારખંડના વતની મહેશભાઇ ભીખુ રામનીની 13 વર્ષીય પુત્રી રોશનીએ સોમવારે બપોરે ઘરમાં છતની હૂક સાથે દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો.
તેના પિતાએ ઘરે આવીને જોતાં પુત્રી ફાંસો ખાધેલી હાલતમાં જણાય હતી. ત્યારબાદ પોલીસને તાત્કાલિક જાણ કરતા તે ઘટનાસ્થળે ધસી આવી હતી. સમગ્ર કેસમાં પોલીસે જણાવ્યું હતું કે મહેશભાઇ વેલ્ડિંગના કામકાજ સાથે સંકળાયેલા છે.તેની એકની એક 13 વર્ષીય પુત્રી રોશની ઘર નજીક આવેલી શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી. ગઇકાલે દિવસભર માતા-પિતા સચિન જીઆઇડીસીમાં કામ પર ગયા હતા ત્યારે જ રોશનીએ સાંજના પાંચથી સાત વાગ્યાના અરસામાં અગમ્ય કારણોસર રૂમમાં પંખા સાથે દોરી બાંધી અંતિમ પગલું ભરી લીધું હતું. પરિવારે એકની એક પુત્રી ગુમાવી દેતાં માતાના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. રોશની ગળાની બીમારીથી પીડાતી હોવાનું પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું. પાંડેસરા પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં મૂળ મહારાષ્ટ્રના બીડ જિલ્લાનો વતની અને હાલ પાંડેસરા ભેદવાડ સ્થિત પ્રેમનગરમાં રહેતો 25 વર્ષીય અપરિણીત અમૂલ બાલુભાઇ થોરાત છેલ્લા કેટલાક સમયથી બેકાર જીવન ગુજારતો હતો. અમૂલે બેકારીના કારણે સોમવારે સાંજેના પાંચ વાગ્યાના અરસામાં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી રૂમની છત પર લગાવેલી એંગલ સાથે વાદળી કલરની સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પાંડેસરા પોલીસને જાણ કરાતા પોલીસે પણ અકસ્માત મોતની નોંધ લઇ આગળની તપાસ શરૂ કરી છે.