મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સોશિયલ મીડિયાના માધ્યમથી રવિવારે જાહેર જનતાને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા નિષ્ણાતો નાઇટ કરફયૂ અને વધુ એક લૉકડાઉન જાહેર કરવાની તરફેણમાં છે, પણ હું તેના પક્ષમાં નથી. રાજ્યમાં કોરોના વાઇરસની સ્થિતિ નિયંત્રણમાં છે, પણ તેમ છતાં હજુ તે પૂર્ણપણે કાબૂમાં આવી નહીં હોવાથી હજુ તકેદારી રાખવાની જરૂર છે. રાજ્યમાં લોકોએ હજુ આગામી છ મહિના સુધી જાહેરસ્થળે માસ્ક પહેરવો પડશે. દરમિયાન છેલ્લા કેટલાક મહિનાથી સામાન્ય મુંબઈગરાઓ માટે લોકલ ટ્રેન ચાલુ કરવાની અપેક્ષા સેવવામાં આવી રહી હોવા છતાં રવિવારે મુખ્ય પ્રધાને આ મુદ્દે કોઇ ફોડ પાડ્યો નહોતો.ઉદ્ધવ ઠાકરેએ જનતાને સંબોધતા જણાવ્યું હતું કે નવા વર્ષ દરમિયાન ફરી નાઇટ કરફયૂ અને લૉકડાઉન લાગવાની અટકળો થઇ રહી છે. મને નથી લાગતું કે રાજ્યમાં ફરી તે લાગુ કરવાની જરૂર છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવી રહી હોવાથી હવે ધીમે ધીમે બધુ અનલૉક થઇ રહ્યું છે. કુટુંબના પ્રમુખ તરીકે રાજ્યના નાગરિકોને સાવધાન રહેવાનું કહેવાની મારી ફરજ છે. ઠંડીમાં કોરોનાનો ચેપ ફેલાવાનું જોખમ વધી જતું હોવાથી હાથ ધોવાનું, માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રાખો. કોરોનાની રસી જયારે આવવાની હશે ત્યારે આવશે પણ ત્યાં સુઘી માસ્ક પહેરવું અનિવાર્ય છે. ઓછામાં ઓછા હજુ છ મહિના માસ્ક પહેરવાનું ફરજિયાત છે. રાજ્યમાં ૭૫ ટકા લોકો માસ્ક પહેરી રહ્યા છે, પણ બાકીના ૨૫ ટકા લોકો નિયમનું પાલન કરી રહ્યા નથી. આવા લોકોની બેદરકારીને કારણે અન્ય લોકો જીવ પણ જોખમમાં મુકાશે.દરમિયાન મેટ્રો કારશેડ અંગે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે કાજુંરમાર્ગ ખાતેની જમીન અંગેના વિવાદનો ચર્ચા કરીને ઉકેલ લાવવામાં આવશે. અમારી પાસે બધા પુરાવાઓ છે કે તે જમીન રાજ્ય સરકારની છે. જમીનની માલિકી અંગેનો જે વિવાદ છે તે ચર્ચા કરીને ઉકેલવામાં આવશે. ભાજપે કરેલી ટીકાનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે કાંજુરમાર્ગ ખાતેની જમીનનો વિવાદ એ મારા અહ્મનો મુદ્દો નથી અને એ તમારા અહ્મનો મુદ્દો પણ ન હોવો જોઇએ. નોંધનીય છે કે કાંજુરમાર્ગ ખાતેની મેટ્રો કારશેડની જગ્યાને લઇને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે જમીનની માલિકીને લઇને વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ હાઈ કોર્ટે આ જમીન પર ચાલી રહેલા મેટ્રો કારશેડના કામને સ્ટે આપ્યો છે. નોંધનીય છે કે ભાજપ-શિવસેના યુતિની સરકાર સત્તા પર હતી ત્યારે અગાઉ મેટ્રો કારશેડ માટે આરે કોલોનીમાં આવેલી જમીન નક્કી કરવામાં આવી હતી. પર્યાવરણપ્રેમીઓના વિરોધ છતાં આરે કોલોનીના વૃક્ષો કાપીને અહીં મેટ્રો કારશેડ ઊભો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેનો શિવસેનાએ પણ વિરોધ કર્યો હતો. જોકે, બાદમાં રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર આવતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મેટ્રો કારશેડને કાંજુરમાર્ગ ખસેડવાનો નિર્ણય લીધો. આ સાથે જ કેન્દ્રએ આ જમીન પર તેની માલિકી હોવાનો દાવો કર્યો. હાલમાં આ જમીનની માલિકીનો વિવાદ કોર્ટમાં છે ત્યારે હવે બીકેસીની બુલેટ ટ્રેન માટે પ્રસ્તાવિત જગ્યા પર કારશેડ બાંધવાનું રાજ્ય સરકાર વિચારી રહી છે. આ અંગે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે જો તમે કાંજુરમાર્ગ ખાતેની જમીનને લઇને સમસ્યા ઊભી કરશો તો અમે બીકેસીમાં આવેલી જમીનને લઇને સમસ્યા ઊભી કરીશું. જોકે, આમ કરવાથી કોઇને ફાયદો નહીં થાય. વિકાસના કામમાં કોઇ દિવસ બાધા આવવી જોઇએ નહીં. નોંધનીય છે કે બુલેટ ટ્રેન એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ છે.