જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી
ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે
હરિયાણાના નૂહમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણને લઈને વહીવટીતંત્ર એલર્ટ પર છે. તણાવને ધ્યાનમાં રાખીને જિલ્લા ડેપ્યુટી કમિશનર પ્રશાંત પંવારે સાંજે કલમ 144 લાગુ કરી દીધી હતી. બીજી તરફ આ હિંસાને પગલે ફરીદાબાદમાં શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
હરિયાણાના નૂહમાં બ્રજમંડલ યાત્રા દરમિયાન ફાટી નીકળેલી હિંસા બાદ હવે અર્ધલશ્કરી દળની બટાલિયન તૈનાત કરવામાં આવી છે. નૂહની હાલતને ધ્યાનમાં રાખીને કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સાથે ગુરુગ્રામ, ફરીદાબાદ અને પલવલ જિલ્લામાં શાળાઓ, કોલેજો, કોચિંગ સેન્ટરોમાં બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓને આ આદેશોનું ગંભીરતાથી પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.
અમે કેન્દ્ર સાથે પણ વાત કરી છે : ગૃહમંત્રી અનિલ વિજ
ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું કે, સાંપ્રદાયિક રીતે તંગ નૂહ વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે હરિયાણા પોલીસની ભારે તૈનાતી ઉપરાંત અર્ધલશ્કરી દળોની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી રહી છે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને. વિજે મીડિયાને કહ્યું, “ત્યાં પર્યાપ્ત દળો તૈનાત કરવામાં આવી રહ્યા છે. અમે કેન્દ્ર સાથે પણ વાત કરી છે. અમે શાંતિ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મેવાત ક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. અર્ધલશ્કરી દળોની ત્રણ કંપનીઓને તણાવગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી છે.
ઈન્ટરનેટ સેવાઓ 2 ઓગસ્ટ સુધી બંધ
નૂહ જિલ્લામાં ધાર્મિક સરઘસ દરમિયાન કેટલાક બદમાશોએ પથ્થરમારો કર્યો અને કારને આગ ચાંપી દીધી હતી જે બાદ હિંસા થઈ હતી. આ હિંસાને ધ્યાને રાખીને સરકારે નૂહમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ આવતીકાલ સુધી બંધ કરી દીધી છે. મોબાઈલ ફોન પર વોટ્સએપ, ફેસબુક ટ્વીટર જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ખોટી માહિતી અને અફવાઓને ફેલાતો અટકાવવા માટે આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.