1984માં તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ થયેલા શીખ રમખાણ મામલે 34 વર્ષ બાદ દિલ્હી હાઈકોર્ટની ડબલ બેંચે ચુકાદો આપ્યો છે. કોર્ટે ટ્રાયલ કેસના ચુકાદાને પલટાવતા કોંગ્રેસ નેતા સજ્જન કુમારને દોષિત જાહેર કર્યા છે. શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના નેતા સજ્જન કુમાર આરોપી છે. 1984માં દિલ્હીના રાજનગર વિસ્તારમાં એક પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં સજજન કુમારને આજીવન કેદ ફટકારવામાં આવી છે. સજજ્ન કુમારે 31મી ડિસેમ્બર સુધી જેલમાં હાજર થવું પડશે. કોંગ્રેસના નેતાને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે અને દોષિતોને દંડ પેટે એક-એક લાખ રૂપિયા ચૂકવવા પડશે.
ન્યાય આપવામાં મોડું થતાં જજ ફેંસલો સંભળવાતી સમયે રડી પડ્યા હતા. દિલ્હી હાઈકોર્ટની ડબલ બેંચના જજ એસ. મુરલીધર અને જસ્ટીસ વિનોદ ગોયલની બેંચે 29 ઓક્ટોબરના રોજ સીબીઆઈ, પીડિતો અને દોષિતોની દલીલો સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો.
દિલ્હી હાઈકોર્ટમાં આ મામલે કુલ સાત જેટલી અપીલ કરવામાં આવી હતી. આ પહેલા 2013માં કોંગ્રેસ નેતા સજ્જન કુમારને નીચલી કોર્ટે દોષમુક્ત જાહેર કર્યા હતા. કોર્ટે સજ્જન કુમાર સિવાયના તમામ આરોપીને દોષીત જાહેર કર્યા હતા. જેમા કોંગ્રેસ નેતા બલવાન ખોખર અને કેપ્ટન ભાગમલનો સમાવેશ થાય છે.